ઈન્ફોસિસનો જૂન ત્રિમાસિક નફો 1.4 ટકા વધીને રૂા. 3483 કરોડ
ઈન્ફોસિસનો જૂન ત્રિમાસિક નફો 1.4 ટકા વધીને રૂા. 3483 કરોડ ટીસીએસએ નિરાશ કર્યા પછી બજારની અપેક્ષા ફળી

આવક 7.1 - 9.1 ટકા વધવાની ગાઈડન્સ

બેંગલુરુ, તા. 14 જુલાઈ

સોફ્ટવેર સર્વિસીસની બીજા નંબરની મોટી નિકાસકાર ઈન્ફોસિસે જૂન ત્રિમાસિકમાં બજારની ધારણા કરતાં સારી કામગીરી જાહેર કરીને વર્ષ 2017-18ની સારી શરૂઆત કરી છે. આ સાથે કંપનીએ રૂપિયાના મૂલ્યમાં તેની આવકનો અંદાજ પણ જાળવી રાખ્યો છે. 

દિવસ દરમિયાન ઈન્ફોસિસનો શેર ત્રણ ટકા વધ્યા પછી બીએસઈ ઉપર છેવટે રૂા.972.05 બંધ રહ્યો હતો, જે ગઈ કાલ કરતાં રૂા. 4.25 નીચે હતો.

કંપનીએ વર્ષ 2017-18માં આવકમાં રૂપિયાનાં સંદર્ભમાં 6.5 - 8.5 ટકા અને યુએસ ડૉલરના સંદર્ભમાં 7.1 - 9.1 ટકાની વચ્ચે વૃદ્ધિ થવાનો અંદાજ મૂક્યો છે. ઓપરેટીંગ નફાનો ગાળો 23-25 ટકા વચ્ચે જળવાઈ રહેવાનો અંદાજ રજૂ કરાયો છે. 

મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિશાલ સિક્કાએ કહ્યું કે, ``િવવિધ ક્ષેત્રે સતત મહેનત કરી હોવાથી પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામમાં તેની અસર જોવા મળી છે. આવક વૃદ્ધિના અનેક પડકારો છતાં નફાના માર્જિન્સ અને રોકડ સર્જનમાં વૃદ્ધિની અસર એકંદર કામગીરીમાં જણાઈ છે.''

સિક્કાએ કહ્યું કે સતત છઠ્ઠા ત્રિમાસિકમાં કંપનીની કર્મચારી દીઠ આવક વધી હોવાથી અમે ઉત્સાહી છીએ. આ ઉપરાંત કંપનીની નવી ઉચ્ચ વૃદ્ધિ આપતી સર્વિસીસ અને સોફ્ટવેરમાં કામગીરી સુંદર રહી છે.

ઈન્ફોસિસે જૂન 2017માં પૂરા થયેલા પહેલા ત્રિમાસિક નફામાં 1.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂા. 3,483 (રૂા. 3,436) કરોડ થયો છે. કુલ આવક 1.8 ટકા વધીને રૂા. 17,078 (રૂા. 16,782) કરોડ થઈ છે.

જોકે, આગલા ત્રિમાસિકની સરખામણીએ ચોખ્ખો નફો રૂપિયાના ચલણમાં 3.3 ટકા ઘટયો છે અને આવકમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

યુએસ ડૉલરના  સંદર્ભમાં ચોખ્ખો નફો 5.8 ટકા વધીને 54.10 કરોડ ડૉલર અને આવક છ ટકા વધીને 2.65 અબજ ડૉલરની થઈ છે.

30 જૂન, 2017 મુજબ રોકડ અને રોકડ ઈક્વિવેલન્ટ તથા રોકાણ સહિતના લિક્વિડ એસેટ્સ રૂા.  39,335 કરોડ રહ્યાં હતાં. 

ઈન્ફોસિસને નવી ડિજિટલ સર્વિસીસને કારણે ક્લાયન્ટ્સના બજેટ ઘટયાં હોવા છતાં નવા કોન્ટ્રાક્ટ્સ મળ્યાં હોવાથી કંપનીએ વાર્ષિક આવક અંદાજમાં વૃદ્ધિ થવાનું કહ્યું છે. 

એશિયાની બીજી મોટી આઈટી સર્વિસીસ નિકાસકાર કંપની ઈન્ફોસિસે માર્ચ 2018માં આવકમાં 7.1 થી 9.1 ટકા આવક વૃદ્ધિ યુએસ ડૉલરના ચલણમાં થવાનો અંદાજ રજૂ કર્યો છે. આ અંદાજ એનલિસ્ટના અંદાજ કરતાં વધુ છે.

આવક વૃદ્ધિ થવાનો અંદાજ સૂચવે છે કે ઈન્ફોસિસ ઘણા રોકાણકારોને આકર્ષે છે. નોંધપાત્ર કર્મચારીઓની છટણી અને ડેટા એનાલિટિક્સ જેવાં નવાં ક્ષેત્રે ઝંપલાવવાથી કંપનીને સ્થિરતા મળી છે. દેશની 154 અબજ ડૉલરનો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગ વધતા ઓટોમેશન અને ટેક્નોલોજીના બદલાતા આયામની વચ્ચે ફંગોળાઈ રહી છે. આને કારણે વિપ્રો, ટેક મહિન્દ્ર જેવી કંપની ઉપર દબાણ વધ્યું છે. 

પુણેની કન્સલ્ટન્સી ફર્મ ઓફશોર ઈનસાઈટ્સના રિસર્ચ ડિરેક્ટર અને સીઈઓ સુદિન આપ્ટેએ કહ્યું કે, ``કંપની ધીમી પણ સ્થિર ગતિએ આગળ વધી રહી છે. કંપનીએ ક્લાયન્ટ બિઝનેસ અને એકંદર ઓર્ગેનાઈઝેશનમાં સ્થિરતા મેળવી હોવાનું અમે માનીએ છીએ.''

રિસર્ચર ગાર્ટનર ઈન્ક.એ આગાહી કરી છે કે વર્ષ 2017માં વૈશ્વિક સ્તરે આઈટીમાં 3.5 લાખ કરોડ ડૉલરનો ખર્ચ થશે, જે ગયા વર્ષની સરખામણીએ માત્ર 2.4 ટકા વધુ છે.