હૉટેલ્સ ફુલ, ટિકિટ્સ ફુલ અને રસ્તા સૂમસામ
આજથી શરૂ થનારા લાંબા વીકએન્ડ પહેલાં

આજથી શરૂ થયેલું મસ્ત અને લાંબું વીકએન્ડ નવ દિવસનું એટલે 20 તારીખ સુધીનું છે. ઘણી હૉટેલ્સમાં બુકિંગ ફૂલ છે, એટલે છેલ્લી ઘડીએ પ્રવાસે જનારા લોકોને હૉટેલ શોધવા માટે અહીં તહીં ધક્કા ખાવા પડે એવું પણ બનશે. આની સાથે અનેક શહેરોના રસ્તા ગિરદી વિનાના સૂમસામ બની જશે.

એફએમસી ટ્રાવેલ સોલ્યુશન્સના લિઝર બિઝનેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રવણ મિશ્રાએ કહ્યું કે, ``નવ દિવસની રજા ગાળવા માટે ગોવા, રાજસ્થાન, કેરળ, લદાખ, દિલ્હી અને કુર્ગ માટેનું બુકિંગ સતત વધી રહ્યું છે.''

ટ્રાવેલ પોર્ટલ ક્લિઅરટ્રિપે કહ્યું કે અન્ય વીકએન્ડની સરખામણીએ સ્વાતંત્ર્ય દિવસ દરમિયાન આવતા સપ્તાહ માટે એર બુકિંગમાં 45 ટકાનો ઉછાળો છે. વિમાન ભાડું વધવા છતાં ગોવા માટેનું બુકિંગ સૌથી વધુ છે.  

મોટા શહેરોમાં હૈદરાબાદ માટેનું બુકિંગ 78 ટકા વધ્યું છે. કંપનીના એર એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના વડા બાલુ રામચંદ્રને કહ્યું કે, ``67 ટકા જેટલું બુકિંગ એક મહિનાથી થઈ ગયું છે. 

સામાન્ય વીકએન્ડ માટે થતાં બુકિંગ કરતાં આ બુકિંગ 17 ટકા વધુ છે.''

ઓયોના સ્થાપક રિતેશ અગરવાલે કહ્યું કે સપ્ટેમ્બર ત્રિમાસીકમાં કંપની દ્વારા બુકિંગ 10 કરોડ ડૉલરને પાર જશે. 

બિગ બ્રેક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કપિલ ગોસ્વામીએ કહ્યું કે પ્રવાસન ઉદ્યોગમાં અત્યારે બુકિંગ ચાલે છે. પ્રવાસીઓએ આ દિવસોમાં ફરવા જવા માટે ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, મ્યાંમાર, વિયેતનામ અને કંબોડિયા સુધીના બુકિંગ કરાવ્યા છે. 

કાર્લસન રેઝિડોરની હૉટેલ ચેઈન ઉદયપુર, જયપુર અને સિમલામાં 80 ટકા બુકિંગ આવ્યું છે. 

ટ્રાવેલ ટ્રાયન્ગલના બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ મુકેશ થાપાએ કહ્યું કે, ``મોટા ભાગની પૂછપરછ વર્કિંગ પ્રોફેશનલ્સ તરફની છે જેમાં સ્ટાર્ટ-અપ્સના સહસ્થાપક, વાઈસ પ્રેસિડન્ટ અને વિભાગીય વડાનો સમાવેશ છે. દિલ્હી અને મુંબઈના પ્રવાસીઓ મનાલી, કસોલ, મેકલીઓડગંજ, લોનાવલા, ગોકર્ણ અને અલીબાગ જઈ રહ્યાં છે.''

મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી)ના પ્રવક્તાએ કહ્યું કે રાજ્યમાં 45 એડવેન્ચર પોઈન્ટ, 350 કિલ્લા, 720 કિમી.નો દરિયાઈ પટ્ટો, પશ્ચિમ ઘાટનો નઝારો અને વાઈલ્ડ લાઈફ જોવા લોકોએ ધસારો કર્યો છે. 

માલશેજ ઘાટ, લોનાવાલા, ખંડાલા, ચિકલદરા, આંબોલી ઘાટ, ભંડારધારા, ઈગતપુરી, જવ્હાર, ભીમાશંકર, તામ્હિણી ઘાટ, દર્શેત, મહાબળેશ્વર, માથેરાનની તમામ હૉટેલ્સમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે.