અૉક્ટ્રૉય ડયૂટી ગઇ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટવા છતાં ભાવ ઘટવાનું નામ નથી લેતા
આવતા સપ્તાહે તહેવારો અને રજાઓની ભરમાર વચ્ચે હોલિડે મૂડ રહેશે

મુંબઈ કાપડ બજાર પડેલું છે. સિઝન બધી નિષ્ફળ ગઇ છે અને અત્યારે ઘરાકીમાં જોર નથી. બજારના 70થી 75 ટકા વેપારીઓએ જીએસટી નંબર લઇ કામકાજો શરૂ કરી દીધાં છે. 25થી 30 ટકા વેપારીઓ હજી એવા છે જેમણે જીએસટી રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે, પણ ટેક્નિકલ કારણોસર તેમને હજી નંબરો મળ્યા નથી. વેપારીઓનો બહુ નાનો એક વર્ગ એવો છે, જે બે નંબરમાં કામકાજ ગબડાવી રહેલ છે.

દેશાવરોમાં દિલ્હી-કાનપુર હજી બંધ જેવાં છે. સુરતે હજી જીએસટીને પૂરું અપનાવ્યું ન હોવાથી ત્યાંનાં કામકાજો મંદ રહ્યાં છે. જેતપુરમાં 50 ટકા પ્રિન્ટિંગ એકમો હજી બંધ પડયાં છે.

આવતા સપ્તાહે રજાઓ ઘણી હોવાથી અને લોંગ વિકઍન્ડ હોવાથી હોલિડે મૂડ રહેશે. તા. 15 અૉગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની અને ગોવિંદાની રજા છે, તા. 17 અૉગસ્ટ ગુરુવારે પટેટી હોવાથી બૅન્કો બંધ રહેશે. તા. 18 અૉગસ્ટથી જૈનોનું પર્યુષણ પર્વ શરૂ થાય છે. તા. 25 અૉગસ્ટે ગણેશચતુર્થી અને જૈન સંવત્સરીની રજા હશે.

તા. 1 જુલાઇથી જીએસટી અમલી બનેલ છે અને 3 ટકા નાકાવેરો નીકળી ગયેલ છે. આમ મુંબઇના વેપારીઓને 3 ટકા અૉક્ટ્રૉય ડયૂટીનો ચોખ્ખો ફાયદો થયો છે. વળી જીએસટી બાદ `વન નેશન-વન ટૅક્સ' થઇ જતાં અને ચેક પોસ્ટ નાબૂદ થતાં માલની હેરફેર ઝડપી અને સરળ બની ગઈ છે. અૉક્ટ્રૉય ખાતાનો ભ્રષ્ટાચાર બંધ થઇ ગયો છે. આથી રૂા. 10,000ના બંડલ પર અગાઉ ટ્રાન્સપોર્ટરો રૂા. 600નો ચાર્જ લેતા હતા જે ઘટાડી હવે રૂા. 250 કરી નાખેલ છે. આમ ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ ઘટેલ છે. આમ છતાં કાપડના વેપારીઓએ કાપડના ભાવો ઘટાડયા નથી, પણ પાંચ ટકા જીએસટી ગ્રાહક પાસેથી વસૂલ કરે છે. આમ જો મુંબઇમાં કાપડના ભાવો ઘટયા હોત તો દેશાવરોની ઘરાકી સુરત-અમદાવાદના બદલે મુંબઇમાં વધી હોત પણ મુંબઇમાં ભાવ ઘટયા ન  હોવાથી બહારગામની ઘરાકી મુંબઇમાં વધી નથી.

સિન્થેટિક્સની આયાત વધવાની ભીતિ

મૅન મેઇડ ફાઇબર અને સિન્થેટિક્સ યાર્નના જીએસટી દર 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવાની ઉદ્યોગની માગણી સ્વીકારાઇ નથી. આથી ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી સસ્તી આયાતનાં ઘોડાપૂર ભારતીય બજારમાં ઊમટશે એવી દહેશત છે.

સ્થાનિક પ્રોડક્ટ્સ કરતાં આયાતી માલો સસ્તા છે. આયાત પર અગાઉ સીવીડી અને એસએડી હતા તે હવે આઇજીએસટી બની ગયેલ છે. અગાઉ સીવીડી અને એસએડી જેવી વધારાની ડયૂટીથી આયાત સામે રક્ષણ મળતું હતું. આથી આવા રક્ષણાત્મક પગલાંની તાતી જરૂરત છે કે જેથી આયાતનાં ઘોડાપૂર વચ્ચે `મેઇક ઇન ઇન્ડિયા' ઝુંબેશ ધોવાઇ ન જાય. જીએસટી બાદ આયાત 12થી 16 ટકા સસ્તી થઇ છે.

ઉદ્યોગના બીજા એક વર્ગની માગણી એવી છે કે સિન્થેટિક્સ યાર્ન અને કૉટન યાર્ન પરના જીએસટી દર પાંચ ટકા જેવા એકસરખા હોવા જોઇએ કે જેથી કુદરતી રેષા અને સિન્થેટિક્સ રેષાને એકસમાન ફિલ્ડ મળી શકે.

અગાઉ યાર્ન અને કાપડના જોબવર્ક પરના જીએસટી દર પાંચ ટકા હતા. જ્યારે મેઇડઅપ્સ-ગારમેન્ટ્સના જોબવર્ક પરના જીએસટી દર 18 ટકા હતા. હવે મેઇડ-અપ્સ અને ગારમેન્ટ્સના જોબવર્ક પરના જીએસટી દર ઘટાડી પાંચ ટકા કરાયા છે.

હજી સુરત કાપડ ઉદ્યોગમાં અસંતોષ ઘણો છે. સુરત મુખ્યત્વે સિન્થેટિક્સ કાપડની મંડી છે અને સિન્થેટિક્સ યાર્ન પર જીએસટીના દર 18 ટકા જેવા ઊંચા ચાલુ રહ્યા છે.

ગ્રે કાપડ

સુતરાઉ ગ્રે કાપડના ભાવો મજબૂત પડેલા છે. 60/60 92/88 48'' કેમ્બ્રિક ગ્રેના ભાવ રૂા. 35+જીએસટી અને સેમિના સારા માલના ભાવ રૂા. 31ાાથી 32+જીએસટી છે. 40/60 72/72 ડ્રોપઇન સારા માલના ગ્રેના ભાવ રૂા. 31.50 અને હલકા માલના રૂા. 28થી 28.50 છે.

સુતરાઉ મલમલ 80/100 68/64 ડ્રૉપઇન ગ્રે રૂા. 20.50+જીએસટી છે. 100/100 78/68 ગ્રેના ભાવ રૂા. 22.50થી 22.75 છે.

20/20 56/60 શીટિંગ 50'' 200 ગ્રામ ગ્રેના રૂા. 34.50 અને 170 ગ્રામ ગ્રેના રૂા. 30 છે. 59'' 200 ગ્રામ ગ્રે રૂા. 36 છે. 20/20 52/52  72'' ગ્રે રૂા. 44 છે. 20/20 56/60 120'' ગ્રે રૂા. 78 છે.

45 પીવી 80/76 10700 ગ્રામ વજનની ગ્રેની ક્વૉલિટીના ભાવ રૂા. 27.50થી 28 છે.

50 પીસી 80/76 8500 ગ્રે રૂા. 19.50 અને 7800 ગ્રે રૂા. 18.25 છે.

ઉદ્યોગનું કંઇક અવનવું

- શ્રી માર્કેટ સિલ્ક મરચન્ટ્સ ઍસોસિયેશનના ઉપક્રમે 22 અૉગસ્ટના સાંજે 4 વાગે મહાજન હૉલમાં એક સમારોહ યોજવામાં આવેલ છે. આ સમારોહમાં રિલાયન્સના જિઓ મોબાઇલની આકર્ષક અૉફર ઍસોસિયેશનના સભ્યો માટે જાહેર કરાશે અને તા. 28થી આ અૉફર અન્ય વેપારીઓ માટે પણ જાહેર થશે.

- કેડીની જે પ્રિમિયમ ઇટાલિયન મેન્સવેર બ્રાન્ડ છે, તેણે ગ્રીન કલરમાં શુટિંગ્સની રેન્જ વિકસાવી છે અને ગ્રીનના 25 શેડ્સ બજારમાં મૂક્યા છે. સિઝનનો કલર ગ્રીન રહેવાની આગાહી કેડીની ઇટાલીએ કરી છે.

- દેશમાં મૅન્સ બ્રાન્ડેડ એથનિકવેર કેટેગરીમાં માર્કેટ લીડર ગણાતા માન્યવર હવે વિમેન્સ વેર કેટેગરીમાં પદાર્પણ કરેલ છે. માન્યવર બ્રાન્ડના માલિક વેદાંત ફેશન છે.