કૃષિને જોખમમુક્ત કરવા આર્થિક સર્વેમાં ભલામણ

ટીએનએસ

નવી દિલ્હી, તા. 11 અૉગ.

2016-17ના આર્થિક સર્વેક્ષણના બીજા ભાગમાં કહેવાયું છે કે ખેડૂતોને વળતરદાયી ભાવોથી ઓછા ભાવો મળવાના મુખ્ય કારણોમાં ખેતીવાડીની સમગ્ર વૅલ્યુચેઇનમાં મજબૂત માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ અને વચેટિયાની ભારે નફાખોરી જવાબદાર છે. આ માટે સત્તાવાળાઓની સમયસરની મધ્યસ્થીથી અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાથી ખેતીવાડી ક્ષેત્ર સશક્ત બની શકશે અને ખેડૂતોને સ્થિર આવક મળતી થઇ જશે.

આર્થિક સર્વેક્ષણમાં ઉત્પાદન જોખમ ઘટાડવા સિંચાઇનો વિસ્તાર વધારવાની અને ઉત્પાદકતા વધારવા બિયારણ-રાસાયણિક ખાતરની ગુણવત્તા સુધારવાની હિમાયત કરવામાં આવી છે.

ખેતીવાડી જેવી નાશવંત કૉમોડિટીના ભાવો તીવ્રપણે ઘટવા વિરુદ્ધ ખેડૂતોએ દેશવ્યાપી જંગી આંદોલનો કર્યાં હતાં. આથી આર્થિક સર્વેક્ષણમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા પર ભાર મૂકાયો છે. આ ઉપરાંત પાકની વાવણી પૂર્વે વેપાર અને સ્થાનિક નીતિના ફેરફારો વહેલા સમયસર જાહેર કરવાની હિમાયત કરાઇ છે કે જેથી માહિતગાર ખેડૂતો વાવણીના નિર્ણયો એ પ્રમાણે લઇ શકે.

નાના અને ગરીબ ખેડૂતોને વિધિસરની અને સંસ્થાકીય ધિરાણ સમયસર પૂરું પાડવા અને ધિરાણદરને પરવડે તેવા રાખવાની હિમાયત કરાઇ છે.

સરેરાશ ખેતીવાડીની જમીનનું કદ ઘટી રહ્યું છે. વાસ્તવમાં વૈશ્વિક સ્તરની પેદાશ મેળવવા ખેતીવાડી જંગી પાયે થાય તે જરૂરી છે અને અર્થતંત્રનું કદ વધવું જરૂરી છે. બાગબગીચા ક્ષેત્રે મુખ્ય સમસ્યા પાક બાદની ખોટ, ક્વૉલિટી પ્લાન્ટિંગ મટિરિયલની ખેંચ અને નાના ખેડૂતોને બાગાયતી ઉત્પાદનો વેચવા પૂરતી માર્કેટ સવલતનો અભાવ હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer