મજબૂત રૂપિયાથી નિકાસકારો ચિંતિત
નવી દિલ્હી, તા. 11 અૉગ.

ડૉલરની સામે ભારતીય રૂપિયાની સતત મજબૂતાઈથી ભારતની નિકાસ ઓછી સ્પર્ધાત્મક બનશે અને નિકાસકારોના માર્જિન ઘટશે. મુખ્ય નિકાસકાર ક્ષેત્રો જેવા કે એપરલ, એન્જિનિયરિંગ ગુડ્સ અૉટોમોબાઇલ વગેરે દબાણ હેઠળ આવશે, એમ ફેડરેશન અૉફ ઇન્ડિયન એક્સપોર્ટ અૉર્ગેનાઇઝેશન્સ (ફીઓ)એ જણાવ્યું છે.

2017માં ડૉલર સામે રૂપિયો 6.8 ટકા વધ્યો છે. ગત મંગળવારે તે રૂા. 63.64 નજદીક હતો. જંગી ફોરેન પોર્ટફોલિયો રોકાણનો પ્રવાહ ભારતમાં આવી રહ્યો છે. તે જોતાં હજી છ મહિના રૂપિયો વધુ મજબૂત બનશે અને ડૉલર સામે રૂા. 62-60ની સપાટીએ સેટલ થશે, એમ ફીઓએ જણાવ્યું છે.

મજબૂત ચલણથી નિકાસકારોને નુકસાન થાય છે જ્યારે આયાત, વિદેશી પ્રવાસ, શિક્ષણ સસ્તાં થાય છે. મજબૂત રૂપિયાથી વેપારખાધ ઘટે છે અને ફુગાવો કાબૂમાં રહે છે.

બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, વિયેતનામ જેવા હરીફ દેશોનાં ચલણો નબળા પડયાં છે. આથી વૈશ્વિક બજારની હરીફાઈમાં ઊભા રહેવાનું સામર્થ્ય ભારતીય નિકાસકારો ગુમાવી રહ્યા છે. 

ગુડ્સ અને સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ના અમલથી અને નિકાસ પ્રોમોશન સ્કીમોની કામગીરી અંગેની ગૂંચવણથી નિકાસના સંયોગો વધુ ધૂંધળા બન્યા છે.