નવા વિશ્વાસ સાથે આઝાદીના નવા વર્ષનો આરંભ

આઝાદીના 71મા વર્ષની પૂર્વસંધ્યાએ દેશભરમાં થઈ રહેલા પરિવર્તનનો અનુભવ થઈ રહ્યો છે. ભારતના ભાવિ માટે આશાવાદ જ નહીં વિશ્વાસ વધી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના નિર્માણનું આહ્વાન આપ્યું છે. ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, અસ્વચ્છતાથી મુક્તિ માટે પાંચ વર્ષનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે જનતાનો સહકાર અને સહયોગ મળે છે. વીતેલા વર્ષમાં રાજકીય મોરચે મોદી સરકારે ઘણી સફળતા મેળવી છે. રાષ્ટ્રપતિ - ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં બિહારમાં લાલુ પરિવાર અને કૉંગ્રેસને છોડીને નીતિશકુમારે ભાજપની ભાગીદારીમાં સરકાર બનાવી છે. ગુમાવેલું રાજ્ય ફરીથી ભાજપના હાથમાં આવ્યું છે. રાજ્યસભામાં પણ સંખ્યાબળ વધ્યું છે. હવે વડા પ્રધાન સામે રાજકીય વિરોધ અને અવરોધ ઘટી રહ્યા છે તેથી વિકાસના માર્ગ આસાન બનવા જોઈએ. વિશેષ કરીને ઔદ્યોગિક ઉત્પાદન અને રોજગારી વધે તે આવશ્યક છે.

ચીનની ધમકીઓ આવ્યા કરે છે, પણ ભારત મચક નહીં આપે, અલબત્ત કોઈ મોટું યુદ્ધ છેડવાની મરજી ચીનની પણ નથી - અને આપણે તે જાણીએ છીએ. આતંકવાદ સામે જબરદસ્ત કાર્યવાહી થઈ રહી છે. કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાની દિશા શરૂ થઈ છે અને અયોધ્યામાં મંદિર-મસ્જિદના વિવાદનું સુખદ સમાધાન થવાની ભૂમિકા રચાઈ રહી છે.

રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી - એનડીએની શક્તિ - સંસદમાં અને રાજ્યોમાં વધી રહી છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. બિહારમાં નીતિશકુમાર સાથે સત્તાની ભાગીદારી ફરીથી શરૂ થયા પછી હવે તામિલનાડુમાં અન્નાડીએમકે ભાજપમાં જોડાવાની તૈયારી કરે છે. રાજ્યસભામાં તો એનડીએનું સંખ્યાબળ વધ્યું છે. હવે ભાજપનું લક્ષ્ય કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિધાનસભાઓની આગામી ચૂંટણી ઉપર છે અને 2019માં લોકસભાની ચૂંટણીની તૈયારી પણ થઈ રહી છે.

બીજી બાજુ - કૉંગ્રેસની સ્થિતિ નબળી પડતી જાય છે ત્યારે રાજ્યસભાની બેઠક અહમદભાઈ પટેલને મળતાં પક્ષમાં અને વિશેષ કરીને ગુજરાત કૉંગ્રેસમાં નવો વિશ્વાસ જાગ્યો છે, પણ બિહારમાં મહાગઠબંધન તૂટવાની - છૂટવાની શરૂઆત થયા પછી હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથેના સંબંધ પણ બગડયા હોવાની શરૂઆત થઈ છે! રાજ્યસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદીના બન્ને સભ્યોએ ભાજપને મત આપ્યા હોવાનું જણાયું છે. કૉંગ્રેસની નેતાગીરીને રાષ્ટ્રવાદીના નેતાઓ ઉપર શંકા હતી અને હવે શંકા પાકી થઈ છે. જોકે, વિધિસર - નીતિશકુમારની જેમ સંબંધ કપાયા નથી. દરમિયાન કૉંગ્રેસે મહાગઠબંધન માટે નવેસરથી પ્રયાસ શરૂ કર્યા છે. શરદ યાદવને સમર્થન આપીને જનતા દળ-(યુ)માં ભંગાણ પાડવાનો વ્યૂહ છે. અલબત્ત શરદ યાદવ કોઈ રીતે નીતિશને પહોંચી શકે એમ નથી. ઉપરાંત લાલુ યાદવ પરિવારના ભ્રષ્ટાચાર પકડાતા જાય છે ત્યારે શરદ યાદવ બિહારમાં લાલુની મદદ મેળવશે?

કૉંગ્રેસ પક્ષમાં અને વિપક્ષની છાવણીમાં સોનિયાજીની જવાબદારી અઢાર પક્ષોને એક મંચ ઉપર - એકછત્ર હેઠળ લાવવાની છે. રાહુલ ગાંધી અત્યારે મહાગઠબંધનના નેતા - આગેવાન નથી. વાસ્તવમાં 

કૉંગ્રેસમાં અત્યારે ``નવા-જૂના''નો વિવાદ ચાલે છે. રાજીવ ગાંધી અને સોનિયાજીના વિશ્વાસુ નેતાઓનાં સ્થાને રાહુલ ગાંધીના વિશ્વાસુ - સલાહકારોનું ગ્રુપ અલગ છે. અહમદભાઈ પટેલને કૉંગ્રેસ પક્ષમાં સોનિયાજી જેટલું માન અને વજન આપે છે તેટલું રાહુલ ગાંધીએ આપવું પડશે. કૉંગ્રેસનો કાયાકલ્પ કરવા પહેલાં અનુભવ અને વફાદારીને પ્રાધાન્ય આપવું પડશે.

કૉંગ્રેસ પક્ષમાં હવે પ્રથમ વખત સ્વતંત્ર સૂર સંભળાય છે. જયરામ રમેશનાં સ્પષ્ટ વક્તવ્ય અને અભિપ્રાય પછી મણિશંકર ઐય્યરે પણ સૂર પુરાવ્યો છે. સલ્તનત ગઈ પણ સુલતાની - મનોદશા ગઈ નથી એટલા શબ્દોમાં જયરામ રમેશે કૉંગ્રેસના નેતા - રાહુલ ગાંધી અને એમના સૂબાઓની રાજાશાહી- પરિવારશાહી ઉપર પ્રકાશ ફેંક્યો છે. હવે આ સ્પષ્ટ અને સત્ય બાબત બદલ એમના ઉપર પ્રહાર શરૂ થયા છે! સોનિયાજી 

હવે તાત્કાલિક રાહુલ ગાંધીને પક્ષની મોટી જવાબદારી સોંપવાની ઉતાવળ નહીં કરે એમ મનાય છે. કૉંગ્રેસની આંતરિક સ્થિતિ અને ક્ષીણ થતી શક્તિ જો સુધરે નહીં તો મહાગઠબંધન ક્યાંથી થઈ શકશે?

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer