આર્થિક વિકાસદર 7.5 ટકાએ પહોંચાડવો મુશ્કેલ

આર્થિક સર્વેમાં કબૂલાત

``આરબીઆઈએ ગ્રાહક ફુગાવાને આંકવામાં વારંવાર ભૂલ કરી''

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા. 11 અૉગ.

નાણાકીય વર્ષ પૂરું થયા બાદ સૌપ્રથમ વાર રજૂ કરવામાં આવેલા 2016-17ના વર્ષના આર્થિક સર્વેક્ષણમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે 2018ના નાણાકીય વર્ષ માટે 6.75-7.5 ટકાની આર્થિક વૃદ્ધિનો અંદાજિત ઉચ્ચાંક હાંસલ કરવો મુશ્કેલ છે.

જાન્યુઆરીમાં રજૂ કરાયેલા સર્વેના પ્રથમ વોલ્યુમમાં અંદાજિત આર્થિક વૃદ્ધિ સમક્ષ ઓછું જોખમ હતું.

ચોમાસું સત્રના છેલ્લા દિવસે લોકસભામાં નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા સર્વેમાં જણાવાયું હતું કે નાણાનીતિ હળવી બનાવવા પર્યાપ્ત અવકાશ છે અને રિઝર્વ બૅન્કે રિટેલ ફુગાવાની આગાહીમાં 14માંથી 6 વાર ભૂલ કરી છે.

જોકે, સર્વેના લેખક અરવિંદ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં કેન્દ્રની નાણાખાધ ઘટીને જીડીપીના 3.2 ટકા થવાની ધારણા છે, જે એક વર્ષ પૂર્વે 3.5 ટકા હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ અંદાજ સામે રિઝર્વ બૅન્કે સરકારને ચૂકવેલા ઓછા ડિવિડન્ડ અંગે શંકા કરાઈ હોવા છતાં ઉપરોક્ત ધારણા દર્શાવાઈ છે.

અર્થતંત્ર ઉપર બિનફુગાવાજન્ય વ્યાપક દબાણ વધી રહ્યું હોવાને કારણે પ્રવર્તતી અસ્વસ્થતા સામે આ સર્વેમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. અર્થતંત્રે સંપૂર્ણ વેગ મેળવવાનો બાકી છે અને હજુ પણ તે તેની ક્ષમતાથી દૂર છે. તેમાં કૃષિ ક્ષેત્રની દબાણ હેઠળની આવક, કઠોળ સિવાયના જાડા ધાનના ભાવમાં ઘટાડો, માંડી વાળવામાં આવેલી કૃષિ લોન, સરકારી ખર્ચમાં કરકસર અને વીજળી તથા સંદેશવ્યવહાર ક્ષેત્રે નફાકારકતા ઘટશે. આથી ટ્વિન બેલેન્સશીટની સમસ્યા વધુ વણસી જશે. સર્વેમાં જણાવ્યું છે કે ઍર ઈન્ડિયાના ખાનગીકરણ અને ટ્વિન બેલેન્સશીટની સમસ્યા હળવી બનાવવા સહિત માળખાકીય સુધારાના એજન્ડાને આગળ ધપાવાશે.

નવા કલાયન્ટો તરફ નજર દોડાવવાને બદલે ખર્ચમાં કરકસર કરવામાં જાહેર ક્ષેત્રની બૅન્કો વ્યસ્ત છે, એમ પણ અહેવાલમાં જણાવાયું હતું. અર્થતંત્રના કેટલાંક ક્ષેત્રોમાં મંદ વૃદ્ધિ અને વધી રહેલા ઋણને કારણે બૅન્કોની અસ્કયામત ગુણવત્તા ઉપર અસર થઈ છે અને આ બાબત ચિંતા જન્માવે છે.

શેડયૂલ્ડ કમિર્શયલ બૅન્ક (એસસીબી)નો એકંદર નોન-પર્ફોર્મિંગ એડવાન્સીસ રેશિયો 2016ના સપ્ટેમ્બરમાં 9.2 ટકા હતો તે વધીને 2017ના માર્ચર્મં 9.5 ટકા થયો હોવાનો નિર્દેશ સર્વેમાં આપવામાં આવ્યો હતો.

ભારતીય અર્થતંત્રમાં માળખાકીય સુધારા અંગે આશાવાદ પુનર્જીવિત થયાની નોંધ સર્વેએ લીધી હતી. જીએસટીનો આરંભ, વિમુદ્રીકરણની સકારાત્મક અસર, ઍર ઈન્ડિયાના ખાનગીકરણનો સૈદ્ધાંતિક નિર્ણય, ઊર્જા સબસિડીમાં વધુ તર્કસંગતતા અને જોડિયા બેલેન્સશીટને હળવી બનાવવાના પગલાંએ આ આશાવાદને પ્રબળ બનાવ્યો છે.

સર્વેમાં વધુમાં જણાવાયું હતું કે સરકાર અને રિઝર્વ બૅન્કના પગલાંને કારણે મેક્રોઈકોનોમિક સ્થિરતામાં વધતો વિશ્વાસ સુદૃઢ થયો છે અને અૉઈલ માર્કેટમાં માળખાકીય ફેરફારોને કારણે ભાવવૃદ્ધિ જાળવવાનું જોખમ ઘટયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer