ગુજરાતમાં મગફળીનો પાક ઉત્પાદન 30 લાખ ટનનો થવાનો અંદાજ

હવે એક મહિનો હવામાન સાનુકૂળ રહે તો ફરી ઉચ્ચતમ ઉત્પાદન થશે : વરસાદ પડે તો લાભ થશે

રાજકોટ, તા. 12 સપ્ટે. 

અમારા પ્રતિનિધિ તરફથી

મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં સતત બીજા વર્ષે ઐતિહાસિક આંકડો બતાવે એમ છે. ઉચ્ચતમ વાવેતર થયા પછી સમયસર વરસાદ અને વરાપથી મગફળીના પાકને ખૂબ ફાયદો થયો છે. નવી આવક પખવાડિયામાં થવાની છે એ પૂર્વે 28થી 30 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ નિકાસકારો અને વેપારીઓ મૂકવા માંડયા છે. ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવથી પ્રાપ્તિ વધારવી પડશે.

ગુજરાતમાં 15.98 લાખ હેક્ટરમાં વાવેતર થયું હોવાનું કૃષિ ખાતાએ જણાવ્યું છે. ગયા વર્ષના 16.30 લાખ હેક્ટર કરતાં થોડું ઓછું છે. પૂરને લીધે ઘણા વિસ્તારમાં મગફળી ધોવાઇ ગઇ છે એટલે આંકડો નીચે આવ્યો છે. જોકે, ફરક બહુ મામૂલી છે એટલે ઉતારામાં વૃદ્ધિ થતાં પાક ઉંચો આવવાનો અંદાજ છે.

રાજકોટની પેઢી દલાલ શાંતિલાલ નારણદાસના નીરજભાઇ અઢિયા કહે છે, અમે આ વર્ષે પણ 30 લાખ ટન મગફળી પાકશે એમ ધારીએ છીએ. ઓગસ્ટ અંતના વરસાદે પાકને ઘણો લાભ આપ્યો છે. હવે વરાપથી ફાયદો છે. કદાચ હજુ વરસાદ પડે તો સિઝન થોડી મોડી પડશે અને ઉતારો વધશે.

ગયા વર્ષે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ ઍસોસિયેશને 26 લાખ ટનના પાકનો અંદાજ મૂક્યો હતો. જોકે, 30 લાખ ટન મગફળી બજારમાં આવી છે. નવી સિઝનમાં પણ 30 લાખ ટનનો પાક આવવાની સંભાવના છે. કદાચ ઓછો આવે તો પણ 28 લાખ ટનની નીચે આંકડો નહીં જાય.

જામનગરના એક અગ્રણી કહે છે, નવી સિઝનમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડવાનાં ચિહ્નો દેખાય છે. સરકારી મગફળી સસ્તામાં વેચાય છે છતાં ખપતી નથી. હવે નવા પાકની આવક શરૂ થવાની છે. ઉના પંથકમાં 400-500 ગૂણી નવી મગફળી ચાલુ અઠવાડિયામાં વેચાણ માટે આવી હતી, પણ ખેડૂતોએ રૂા. 800 સુધીનો ભાવ મૂકતાં ખપી ન હતી. એ જોતાં નવી સિઝનમાં મંદી રહેશે એમ જણાય છે. સરકારે મગફળીનો ટેકાનો ભાવ મણે રૂા. 844 નક્કી કર્યો છે. એની સામે પ્રવર્તમાન સમયે રૂા. 510-670માં મગફળી વેચાય છે. ખેડૂતોને ચોખ્ખી નુક્સાની છે. એટલું જ નહીં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળી પણ રૂા. 200ની ખોટ ખાઇને વેચવી પડી રહી છે.

વિદેશમાં પણ પાક બમ્પર

મગફળીનું ઉત્પાદન માત્ર ભારતમાં બમ્પર થવાનું છે તેવું નથી. વિશ્વમાં મોટા ગણાતા તમામ દેશોમાં પાક ઉંચો આવવાની સંભાવના છે. ચાલુ સપ્તાહે ચીનમાં મળેલી મગફળીની એક કોન્ફરન્સમાં ભારતનો પાક જળવાશે તેવો અંદાજ મુકાયો છે. એ ઉપરાંત અમેરિકામાં ઉત્પાદન 30 ટકા, ચીનમાં 20 ટકા અને આફ્રિકામાં 10-15 ટકા વધશે એમ કહેવાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer