શૅરબજારમાં ટ્રેડિંગ અવર્સ વધારવાથી કાંઈ વળે નહીં : બ્રોકર્સ
`આ પગલું ઉપલકિયું, વોલ્યુમ નહીં વધે'

મુંબઈ, તા. 12 સપ્ટે.

શૅરબજારમાં ટ્રેડિંગના કલાકો વધારવા અંગે ગણગણાટ વધતો જઈ રહ્યો છે પરંતુ બ્રોકરો કહે છે કે આ ફેરફાર માટે તેઓ તૈયાર નથી અને તેનાથી વોલ્યુમ નહીં વધે. હાલમાં ભારતીય શૅરબજારોમાં કામકાજ સવારે 9.15 કલાકે શરૂ થાય છે અને બપોરે 3.30 કલાકે પૂરું થાય છે. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ અૉફ ઇન્ડિયાએ લાંબા સમયથી પડી રહેલા આ પ્રશ્ન અંગે ચોથી જુલાઈએ કામકાજનો સમય સાંજે પાંચ સુધી રહેવાની જાહેરાત કરી હતી. જોકે, પાછળથી આ જાહેરાત પાછી ખેંચી હતી. આમ છતાં, કામકાજના કલાકો વધારવાનો ગણગણાટ શમ્યો નથી કેમ કે અમુક અહેવાલોએ દર્શાવ્યું હતું કે વિશ્વના શૅરબજારોને અનુરૂપ થવા અને બિઝનેસ વધારવા કામકાજ સાંજે 5.30 અથવા 7.30 કલાકે બંધ કરવા અગ્રણી શૅરબજારો વિચારી રહ્યા છે. બ્રોકરો આ પગલાંને `કોસ્મેટિક' પગલાં તરીકે જુએ છે તેમનું કહેવું છે કે આ પગલાંથી કામકાજના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નહિવત છે.

તીવ્ર સ્પર્ધા અને વધી રહેલા અૉટોમેશનને કારણે બ્રોકિંગ બિઝનેસ હાલમાં દબાણ હેઠળ છે.

આ પગલાંથી અમેરિકી બજારો સાથે કામકાજના પ્રમાણમાં કોઈ વધારો નહીં થશે. આથી વિપરીત કામકાજના ખર્ચમાં ખાસ્સો વધારો થશે. બ્રોકરો જે થોડોઘણો નફો કરે છે તે આ પગલાંથી ધોવાઈ જશે, એમ ઍસોસિયેશન અૉફ નેશનલ એકસચેન્જીસ મેમ્બર્સ અૉફ ઇન્ડિયા (એએનએમઆઈ)ના પ્રમુખ કે. સુરેશે જણાવ્યું હતું.

બ્રોકરો અને બૅન્કોની પતાવટ સિસ્ટમ હજુ સુધી આ માટે તૈયાર નથી, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે કામકાજનો સમય લંબાવવા અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નથી.

કામકાજનો સમય લંબાવવા માટે બજારની તૈયારી અંગે પૂછવામાં આવતા આ અધિકારીએ જણાવ્યું હતું કે બૅન્કો તૈયાર ન હોય તો કોમોડિટી બજાર રાત્રે 11.30 સુધી કઈ રીતે કામકાજ કરી શકશે?