દેશમાં કપાસનો પાક આ મોસમમાં 345 લાખ ગાંસડી
વૈશ્વિક પાક વધશે, ભારતમાં વપરાશ ઘટશે

કોઈમ્બતુર, તા.12 સપ્ટે.

આ મહિને પૂરી થનારી કપાસની ચાલુ મોસમમાં પાક ચાર ટકા વધીને 3.45 કરોડ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગઈ મોસમમાં 3.32 કરોડ ગાંસડી હતી.  સધર્ન ઇન્ડિયા મિલ્સ ઍસોસિયેશન (સીમા) કોટન ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચ ઍસોસિયેશનના ચૅરમૅન બી લક્ષ્મીનારાયણએ જણાવ્યું કે, કપાસના દરેક મુખ્ય ઉત્પાદક મથકોમાં પાક વધ્યો છે. તેમણે  2.31 કરોડ ગાંસડી પાક થવાનો અંદાજ મૂક્યો હતો, જે ગત મોસમના 2.10 કરોડ ગાંસડીની સરખામણીએ 10 ટકા વધુ છે. 

વૈશ્વિક કપાસની માગ 2.47 કરોડ ટનની છે, જે ગઈ મોસમના 2.42 કરોડ ટનની સરખામણીમાં બે ટકા વધુ છે. ભારતમાં મિલ સિવાય સહિતનો વપરાશ 3.12 કરોડ ગાંસડીનો છે. ગત વર્ષે વપરાશ 3.15 કરોડ ગાંસડીનો હતો, એમ સીમાની 42મી વાર્ષિક સામાન્ય સભામાં બોલતા તેમણે જણાવ્યું હતું.  વૈશ્વિક નિકાસનો અંદાજ 81 લાખ ટન થશે, જે ગયા વર્ષની 77 લાખ ટનની નિકાસ કરતા વધુ છે. ભારતની નિકાસ તે આગલા વર્ષના 69 લાખ ગાંસડીથી ઘટીને આ વર્ષે 60 લાખ ગાંસડી થઈ હતી. 

2017-18માં કપાસનો વૈશ્વિક ધોરણે પાક અને વપરાશ બંને વધશે તેવો અંદાજ છે.  પાક 2.55 કરોડ ટન અને વપરાશ 2.556 કરોડ ટનનો અંદાજ છે. જ્યારે વૈશ્વિક કપાસનો વેપાર ગત મોસમના 80 લાખ ટનના સ્તરે થવાનો અંદાજ હોવાનું લક્ષ્મીનારાયણે જણાવ્યું હતું.