ચીનથી આયાત થતી એચઆર-સીઆર કોઈલ્સ ઉપર 18.9 ટકા કાઉન્ટરવેલિંગ ડયૂટી
નવી દિલ્હી, તા. 12 સપ્ટે.

ચીનથી આયાત થતી સ્ટેનલેસ સ્ટીલ માટેની એચઆર અને સીઆર કોઈલ્સ ઉપર 18.9 ટકા કાઉન્ટરવેલિંગ ડયૂટી લાગુ કરવામાં આવી છે.

આ પ્રોડક્ટ ભારતમાં (ચીન દ્વારા અપાતી સબસીડીને લીધે) નીચા ભાવે આયાત થઈ રહી છે.

જીંદાલ સ્ટેનલેસના ઉપાધ્યક્ષ અભ્યુદય જીંદાલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે દેશમાં સ્ટેનલેસ સ્ટીલનું ઉત્પાદન વધારવાનું મહત્ત્વપૂર્ણ પગલું છે. અગાઉ હિસ્સાર સ્ટીલ જીંદાલ સ્ટેનલેસ દ્વારા ઉપરોક્ત પ્રોડકટના ડમ્પિંગની ફરિયાદ કેન્દ્રને કરવામાં આવી હતી. ઉદ્યોગને આશા છે કે `હવે ઓછી ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલની આયાત બંધ થશે.' ઇન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ ઍસોસિએશનના પ્રમુખ કે કે આહુજાએ જણાવ્યું છે કે `ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદકોને હવે સ્પર્ધાત્મક બજાર ઉપલબ્ધ થઈ શકશે. અગાઉ ચીનથી  સસ્તી આયાતને લીધે ઉદ્યોગને ભીંસ વધી હતી. ઉપરોક્ત ડયૂટી પાંચ વર્ષ માટે લાગુ કરાઈ છે. પોલાદ સચિવ અરુણા શર્માએ જણાવ્યું છે કે `ભારતમાં લોખંડની કોઈ પણ પ્રોડક્ટ પર સીવીડી લાગુ કરવાનો આ સૌપ્રથમ નિર્ણય છે.'