ઘર્ષણનું જોખમ હળવું થતાં સોનામાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 12 સપ્ટે.

સોનામાં કડાકો સર્જાયો હતો. હરિકેન ઇરમાએ અમેરિકામાં નુક્સાની વેરી છે પરંતુ તંત્ર અપેક્ષા કરતા ઝડપથી નુક્સાની કવર કરી શક્યું છે. બીજી તરફ વાવાઝોડું ધારણા કરતા ઓછું ગંભીર નીવડયું છે એટલે સોનામાં રોકાણની માગ ઘટી છે. ઉત્તર કોરિયા હવે તત્કાળ નવું મિસાઇલ પરિક્ષણ નહીં કરે તેવું રોકાણકારોને લાગવા માંડયું છે. એની અસરથી પણ સોનામાં જોખમ સામેની લેવાલીમાં ફરક પડી જતા 1323 ડૉલરના એક અઠવાડિયાના નીચલાં સ્તરે હતું. કરન્સી બજારમાં ડૉલરના મૂલ્યમાં મજબૂતી રહી હતી એ કારણે તમામ કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું હતું. જોકે, હજુ ડૉલર અઢી વર્ષની તળિયાની સપાટીથી ઘણો નજીક છે. એક વિશ્લેષકે કહ્યું કે, ઉત્તર કોરિયાનું કારણ હવે થોડું ઢીલું પડી ગયું છે. હવેનું ફોકસ ફેડરલ રિઝર્વની બેઠક પર રહેશે. ફેડ વ્યાજદર વધારે એવી શક્યતા નહીંવત છે પણ અર્થતંત્ર અને નાણાં બજાર અંગે કેવું નિવેદન આપે છે તે ડૉલરને દિશા આપશે.

રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂા. 150ના ઘટાડા સાથે રૂા. 30,350માં મળતું હતું. મુંબઈ સોનું રૂા. 200ના ઘટાડામાં રૂા. 30,020 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 17.70 ડૉલરની સપાટીએ હતી. રાજકોટમાં એક કિલોનો ભાવ રૂા. 50ના ઘટાડામાં રૂા. 40,800 હતી. મુંબઈમાં રૂા. 55 ઘટતા રૂા. 40,515 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer