ગુજકોમાસોલ સીંગતેલનું ઉત્પાદન શરૂ કરશે

બંધ મિલોને પુન: ધમધમતી કરાશે, મગફળીમાંથી માખણ બનાવશે: દિલીપ સંઘાણી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.12 સપ્ટે.

સીંગતેલનું ઉત્પાદન કરનારી અસંખ્ય મિલો દાયકાથી બંધ પડીને કાટ ખાઇ રહી છે, આવી બંધ મિલોને પુન: ધમધમતી કરીને સીંગતેલ બનાવવાનો આરંભ કરવામાં આવશે, એમ ગુજકોમાસોલના ચૅરમૅન દિલીપભાઇ સંઘાણીએ 56મી વાર્ષિક સાધારણ સભામાં અમદાવાદ ખાતે કહ્યું હતું. નવરાત્રિ દરમિયાન ગુજરાતના લોકોને ગુજકોમાસોલનું શુદ્ધ સીંગતેલ મળતું થઇ જાય એવી વ્યવસ્થા કરી હોવાનું ઉમેરીને સંઘાણીએ જણાવ્યું હતું કે, કોઇ સીંગતેલ મિલ ચાલુ થઇ શકે તેમ નહીં હોય તો ભાડે રાખીને પણ સંસ્થા સીંગતેલનું ઉત્પાદન કરશે.

ગુજકોમાસોલની 56મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદના પંડિત દિનદયાળ અૉડિટોરિયમમાં યોજાઇ હતી. સભામાં સંસ્થાના ચૅરમૅન દિલીપભાઇ સંઘાણીએ સંસ્થા દ્વારા સીંગતેલની સાથોસાથ મગફળીનું બટર બનાવવાની પણ યોજના હોવાનું કહ્યું હતું. આ બટરમાં ફેટ ઓછી અને પ્રોટીન પુષ્કળ હોય છે એટલે જીમમાં જનારા, અખાડામાં જનારા, મહેનત વર્ગને ઉપયોગી બનશે. સળંગ બીજા વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડૂતોને સંસ્થા ઉપયોગી બનશે.

મગફળીમાંથી બટર બનાવવાનો નાનામાં નાનો પ્લાન્ટ અંદાજે રૂા.6 કરોડનો થાય છે. આ વર્ષથી શરૂ કરીને આવતા વર્ષોમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને જ્યાં જ્યાં મગફળી પાકતી હશે ત્યાં બટર બનાવીને બજારમાં મુકીશું. 

સંઘાણીએ કહ્યું કે, બટેટા, ટમેટાં, એરંડાની મૂલ્યવર્ધક વસ્તુઓ બનાવીને, દેશ-દુનિયામાં વેચીને ખેડૂતોને વધુ આવક મળે અને  દેશને હુંડિયામણ રળી આપવાનો પણ પ્રયાસ ગુજકોમાસોલનો રહેશે. ગુજકોમાસોલ કૃષિ જણસોના વેચાણ માટે ખાનગી વેપારી પાસે ગયા વગર એપીએમસી માર્કેટમાં જઇને ખુલ્લા બજારમા જશે. કપાસના ભાવને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશના બજારની મોટી અસર પડતી હોય છે ત્યારે આગામી દિવસોમાં અમૂલ પેટર્નથી કોટન ટુ ક્લોથની દિશામાં આગળ વધી કપાસમાંથી કાપડ બનાવવાનું કામ ગુજકોમાસોલ હાથ ધરશે.  કપાસમાંથી કાપડ બનાવવા જીનિંગ, વિવિંગ, ડાઇંગની પ્રોસેસ કરી પૂર્ણપણે ગારમેન્ટ બનાવી બજારમાં મુકવામાં આવશે અને આમાંથી પણ ખેડૂતને તેના વળતર પેટે પુન: રકમ મળશે. 

આ અવસરે ગુજકોમાસોલના વાઇસ ચૅરમૅન અને ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, નાફેડના ચૅરમૅન વાઘજીભાઇ બોડા, ગુજકોમાસોલના ડિરેકટર અને ઇફકોના વાઇસ ચૅરમૅન તથા સંસદસભ્ય વિઠ્ઠલભાઇ રાદડીયા, અમુલના વાઇસ ચૅરમૅન અને ગુજકોમાસોલના ડિરેકટર તથા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

15 ટકા ડિવિડન્ડની જાહેરાત

ચલો સમૃદ્ધિ કી ઓર નો નારો આપતા આ વર્ષે 15 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી હતી. સંઘાણીએ જણાવ્યું હતુંકે, આગામી વર્ષે આનાથી પણ વધુ ડિવિડન્ડ આપવામાં આવશે. પક્ષાપક્ષી અને જ્ઞાતિ-જાતિતી પર રહીને તમામના સહયોગથી સમૃદ્ધિની દિશા તરફ ઝડપભેર આગળ વધવાની સંસ્થાની નેમ છે.

આગામી દિવસોમાં કૉમ્પ્યુટરાઇઝ કરીને સંસ્થાને પારદર્શિતા તરફ લઇ જવાશે જેથી ખેડૂતની કઇ જણસ, ક્યા ગોડાઉનમાં કેટલી પડી છે તે જોઇ શકાશે, જેથી ભ્રષ્ટાચારનો કોઇ સવાલ ન રહે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer