કંપનીઓ માટે લિસ્ટિંગના નિયમો કડક બનાવાશે
મુંબઈ, તા. 12 સપ્ટે.

મૂડીબજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી) તેની 18 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બોર્ડ મિટિંગમાં સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટિંગ માટેના માપદંડો કડક બનાવશે.

આ પ્રસ્તાવ સ્ટોક એક્સચેન્જોના મુખ્ય બોર્ડ તેમ જ નાના અને મધ્યમ એકમ (એસએમઈ) વિભાગને પણ લાગુ પડશે, એમ આ બાબત સાથે જોડાયેલ સૂત્રે જણાવ્યું હતું. તાજેતરમાં સેબીએ 331 શેલ કંપનીઓને સસ્પેન્ડ કરી હતી. તેના પગલે આ નિર્ણય આવી પડયો છે. 

લિસ્ટિંગ ધોરણોનાં પાલન માટે કંપનીઓએ કેટલાંક નાણાકીય રેકોર્ડ અને ટ્રેડિંગ વોલ્યુમ જાળવવાના હોય છે. સેબી હવે આ જરૂરિયાતોમાં વધારો કરશે જેથી શેલ કંપનીઓનું લિસ્ટિંગ કરવું અશક્ય બની જાય. 

શૅરબજારમાં લિસ્ટિંગ દ્વારા કરચોરી અને કાળાધોળાનું સાધન બનનારી શેલ કંપનીઓ માટે શૅરબજારમાં પ્રવેશ કરવો જ મુશ્કેલ બને એવી વ્યવસ્થા સેબી કરવા ઈચ્છે છે. ડિમોનેટાઈઝેશન બાદ જંગી પ્રમાણમાં કાળાં નાણાં આવી કંપનીઓ પાસે ગયા હોવાની વ્યાપક માન્યતા છે. બજાર નિયામકો અને તપાસ એજન્સીઓને આવી કંપનીઓ પર બાજ નજર રાખવા કહ્યું છે. નિયામકોનું માનવું છે કે શૅરબજારમાં અત્યારે લિસ્ટિંગના નિયમો હળવા હોવાથી શેલ કંપનીઓ ફાવી જાય છે.

બીએસઈ અને એનએસઈ બંનેમાં કંપનીઓએ લિસ્ટ થવા માટે ન્યૂનતમ નેટ વર્થ અને ઈક્વિટી મૂડી જરૂરી છે. મુખ્ય બોર્ડમાં લિસ્ટિંગ માટે ઈસ્યૂ બાદ રૂા.10 કરોડની અને એસએમઈ સેગમેન્ટમાં રૂા.3 કરોડ પેઈડ-અપ કેપિટલ હોવી જરૂરી છે. અન્ય જરૂરિયાતોમાં ઓછામાં ઓછા રૂા.25 કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન અને ત્રણ વર્ષથી વધુ સમય માટે નફો કર્યાના ટ્રેક રેકર્ડનો સમાવેશ થાય છે. સૂત્રોના કહેવા પ્રમાણે સેબી આ ત્રણેય માપદંડને વધુ કડક બનાવશે.  જે કંપનીઓના શૅરોમાં અમુક દિવસ અને અમુક વોલ્યુમમાં કામકાજ ન થાય તેને સસ્પેન્ડ કરવાની વિચારણા પણ સેબીની છે. તેમ જ જો કંપની વર્ષના અમુક દિવસો માટે સસ્પેન્ડ કરાઈ હોય તો પ્રમોટરે શેરધારકોને બાયબેક વિકલ્પ ઓફર કરવાની પણ સેબી ભલામણ કરશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.