ફ્રીજ, ટીવી જેવી ગ્રાહક ઉપયોગી વસ્તુઓ ઉપર જીએસટી ઘટવાની શક્યતા

નોન-સીન આઇટમો પરના જીએસટી દર 28 થી ઘટાડી 18 ટકા કરવાની વિચારણા

નવી દિલ્હી, તા. 12 સપ્ટે.

ગુડ્સ અને સર્વિસીસ ટૅક્સ કાઉન્સિલ અમુક નોન-સીન કન્ઝયુમર ડયુરેબલ્સ ગુડ્સ પર હાલ જે મહત્તમ 28 ટકા જીએસટી છે તે ઘટાડવાની સરકારની વિચારણા છે. અમુક આમ વપરાશની કન્ઝયુમર ગુડ્સના જીએસટી દર 18 ટકા કરવાની વિચારણા છે. જોકે આ જીએસટી દર ઘટાડાય તો પણ તેનો અમલ એપ્રિલથી શરૂ થનાર નવા નાણાકીય વર્ષથી થવાની શક્યતા છે.

અત્યારે રેફ્રીજરેટર અને ટેલિવિઝન સહિતની કન્ઝયુમર ડયુરેબલ્સ ગુડ્સ પર 28 ટકા જીએસટી દર લેવામાં આવે છે.

કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ભૂતકાળમાં કહ્યું હતું કે ટેલિવિઝન અને રેફ્રીજરેટર જેવી અમુક લકઝરી કેટેગરીની આઇટમો આમ જોઈએ તો તે આમ વપરાશની હોય છે.

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નવી આડકતરા વેરા પ્રણાલી વ્યવહારુ થવાની રાહ જોવાશે અને અમુક મહિનાઓ માટે વસૂલાતનું પૃથકકરણ કરાશે.

સેન્ટ્રલ બોર્ડ અૉફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સની આંતરિક સમીક્ષામાં જણાવાયું છે કે જો કન્ઝયુમર ડયુરેબલ્સનો ટેક્સ 28 ટકાથી ઘટાડી 18 ટકા કરાશે તો 2017-18 (એપ્રિલથી માર્ચ)ના વર્ષમાં મહેસૂલી આવક રૂા. 200 અબજ જેટલી ઘટવાની ગણતરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer