જીએસટીની ગૂંચવણ દૂર થતાં હીરાઉદ્યોગમાં ઉત્સાહ

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 12 સપ્ટે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનોર્ટેડ રફ ડાયમંડ પરની ડયૂટી અંગેની ગૂંચવણ દૂર કરતાં હીરાઉદ્યોગમાં ઉત્સાહનો નવો સંચાર થયો છે. દિવાળી પહેલાં હીરાઉદ્યોગનાં નાના એકમોને જાણે જીવનદાન મળ્યું છે, તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.

ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ(જીએસટી) લાગુ થયા બાદથી દેશભરનાં મોટાભાગનાં ઉદ્યોગ સાહસિકોને કોઈને કોઈ મુશ્કેલીઓ આવી છે. હીરાઉદ્યોગમાં રફ ડાયમંડ ઉપર 3 ટકા જીએસટી લાગુ કરાયાની જાહેરાત બાદ હીરાઉદ્યોગમાં ભૂંકપની સ્થિતિ સર્જાઈ હતી. જીએસટીની વિસંગતતા દૂર ન થાય ત્યાં સુધી હીરાઉદ્યોગનાં સંગઠનોએ રફનાં પાર્સલ છોડાવવા નહિ જેવી અપીલ સુધ્ધા કરી હતી. અનેક રજૂઆતો બાદ અનોર્ટેડ રફની ડયૂટીની ગૂંચવણ દૂર થઇ છે.

વિવિધ કેટેગરીનાં અનોર્ટેડ ડાયમંડ ઉપર 3 ટકા જીએસટી લાગુ કરાયો હતો. જેને ગત જીએસટી કાઉન્સિલની બેઠકમાં 0.25 ટકા કરાયો છે. દેશમાં મોટી સંખ્યામાં રફ ડાયમંડની આયાત થાય છે. આ રફ ડાયમંડ ઉપર જીએસટી કાઉન્સિલે 3 ટકા જીએસટી લાગુ કર્યો હતો. નોંધવું કે, અત્યાર સુધી હીરાઉદ્યોગને કરમુક્તિનાં લાભો મળતાં હતાં. જીએસટી લાગુ થયા બાદ હીરાઉદ્યોગને કરનાં માળખામાં આવવું પડયું છે. એકાએક 3 ટકા ટૅક્સ રફ ડાયમંડ પર લાગુ થતાં સ્થાનિક ઉદ્યોગકારોમાં નિરાશા ફેલાઈ હતી. આ અંગે જીજેઈપીસીથી લઈને હીરાઉદ્યોગનાં સંગઠનોએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિધિવત રજૂઆતો કરી હતી.

જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)નાં ચૅરમૅન પ્રવીણ શંકર પંડયાએ સરકારના નિર્ણયને વ્યવહારું ગણાવી તેનું સ્વાગત કર્યું હતું. આ નિર્ણયથી હીરાઉદ્યોગને વેપાર કરવામાં સરળતા મળશે, એમ તેમણે ઉમર્યું હતું. જીજેઈપીસીના ગુજરાત રિજનનાં ચૅરમૅન દિનેશભાઈ નાવડિયા કહે છે કે, જીએસટી કાઉન્સિલનાં નિર્ણયથી હીરાઉદ્યોગની ચમક વધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer