દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ગુરુવારે ઉદ્ઘાટન
દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ગુરુવારે ઉદ્ઘાટન અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.12 સપ્ટે.

દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાનું સપનું હવે સાકાર થવામાં છે કારણકે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના શિન્ઝો એબના હસ્તે બુલેટ ટ્રેનના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે. બન્ને દેશના વડા પ્રધાન આવતીકાલથી અમદાવાદની બે દિવસની મુલાકાતે છે. બુધવારે સાડા ત્રણ વાગ્યે વડા પ્રધાન મોદી અને શિન્ઝો શહેરમાં આવશે એ પછી બે દિવસ ભરચક્ક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.

બન્ને દેશના વડા પ્રધાનનો સંયુક્ત રોડ શો એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી યોજાશે. નવ કિલોમીટર લાંબો રોડ શો ઐતિહાસિક બની રહેવાનો છે. એ સિવાય અમદાવાદની સુપ્રસિદ્ધ સિદીસૈયદની જાળીનું નકશીકામ નિહાળશે.

ગુરુવારે બન્ને દેશોના મહત્વના કાર્યક્રમો છે. સવારે 508 કિલોમીટર લાંબા અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો ફાઉન્ડેશન સ્ટોન મૂકાશે. આ પ્રોજેક્ટ સાત કલાકની મુસાફરીને ફક્ત બે કલાકની બનાવી દેશે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રૂા. 1,10,000 કરોડનો છે. 2023 સુધીમાં તે પૂર્ણ થવાનો છે. જાપાને તે માટે 88 હજાર કરોડની લોન આપી છે. 

જપાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઈક્વિટી ખરીદશે

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં જપાન ઈક્વિટી હિસ્સો ખરીદશે. સૂત્રોએ જણાવ્યું કે, જપાને આ બાબતે અનૌપચારિક રીતે મંજૂરી આપી છે. ફક્ત સાધન સપ્લાયર્સ તરીકે જ નહીં પરંતુ જપાન અમદાવાદ-મુંબઈના હાઈ-સ્પીડ રેલ શિનકાનસેન પ્રોજેક્ટમાં 10 ટકા હિસ્સો ખરીદે અને લાંબા ગાળા માટે પ્રોજેક્ટમાં હિસ્સો ધરાવે એ માટે ભારત પ્રયત્નશીલ છે.  

કૉન્ફોરન્સમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, હાઈ સ્પીડ ટ્રેન ટેકનૉલૉજી ધરાવતા અન્ય દેશોથી વિપરીત જપાન ઓછા-ખર્ચ ધિરાણ માટે મંજૂર થઈ છે.