વૈશ્વિક સોનું એક મહિનાની ટોચ ઉપર

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4 ડિસે.
વેપારયુદ્ધ મામલાની ગૂંચ હવે ટ્રમ્પ-ઝિનપિંગની વાતચીત પછી ઉકેલાય જશે એવા આશાવાદને લીધે સોનાના ભાવમાં તેજીનો માહોલ છે. ચલણ બજારમાં ડૉલરનું મૂલ્ય વેપારયુદ્ધ ટળશે એવી ગણતરીએ તૂટવા લાગ્યું છે તેનો લાભ સોનાને મળ્યો છે. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1240 ડૉલરના એક મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. જી-20 દેશોની સમીટ પૂરી થયા પછી ડૉલરમાં ખરીદી ઝાંખી પડી ગઇ છે. હવે સોનામાં ફરીથી 1250 ડૉલરનો ભાવ સૌને દેખાવા લાગ્યો છે.
ડૉલરનું મૂલ્ય મંગળવારે અગ્રણી ચલણો સામે નબળું પડયું હતું. અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ પણ ત્રણ મહિનાની તળિયાની સપાટીએ જઇ રહ્યા છે. હવે ફેડરલ રિઝર્વની બેઠક 18-19 ડિસેમ્બરના દિવસે મળવાની છે. ફેડ એમાં ચાલુ વર્ષનો ચોથો વ્યાજદર વધારો કરશે તેવું દૃઢપણે માનવામાં આવે છે. વ્યાજદરમાં વધારો થાય તો ડૉલર સુધરતા સોનાની તેજીને થોડો સમય બ્રેક લાગી શકે છે. રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 225ના સુધારામાં રૂા. 31,800 હતો. મુંબઈમાં રૂા. 275 વધીને રૂા. 31,080 હતો. 
ચાંદી ન્યૂ યોર્કમાં 14.54 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 200ના સુધારા સાથે રૂા. 37,000 અને મુંબઈમાં રૂા. 485 વધીને રૂા. 36,670 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer