બિટકોઈનના કડાકાનો લાભ સોનાને નહીં મળે

યુવાન પેઢી ડિજિટાઈઝેશનથી વધુ દોરવાય છે
 
ઈબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 4 ડિસે.
બિટકોઇન કરતા સોનું વધુ સારું મૂડીરોકાણ છે? રોકાણકારો તરફથી આ પ્રશ્ન વારંવાર પુછાય છે. જો આપણે 2011થી ભાવનું આકલન કરીએ તો સોનાના ભાવ 1900 ડોલરથી 40 ટકા ઘટીને 1230 ડોલર થયા છે અને હજુ પણ ઘટવાતરફી ઝોક ધરાવે છે. આથી વિપરીત છેલ્લાં સાત વર્ષમાં બિટકોઇન 30 ડોલરથી 13,700 ટકા વધીને સોમવારે 3715 ડોલર થયો હતો. તેથી સોનાના ભાવ તાજેતરમાં વધ્યા છે અને બિટકોઇન ઘટ્યા છે છતાં બન્ને વચ્ચેના સંબંધ ઊલટી દિશાના છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જગતની સૌથી જાણીતી ડિજિટલ કરન્સી બિટકોઇન 75 ટકા ઘટીને નવા મેલ્ટીંગ સ્ટેજ પર પહોંચી ગઈ છે. 
છેલ્લા થોડા જ દિવસમાં જ બિટકોઇનનાં ભાવ 37 ટકા તૂટ્યા છે. જો ગત વર્ષની 19,500 ડોલરની સર્વોચ્ચ સપાટીથી જોઈએ તો ક્રીપ્ટોકરન્સીનો આ ભાવઘટાડો અભૂતપૂર્વ ગણાય. જો લાંબા ગાળાનો વિચાર કરીએ તો અગ્રણી જાગતિક અર્થતંત્રોની કડક નીતિ, નબળા વિકાસદરની ચિંતા, ડોલરની ઘટવાની ઝડપ અને રોકાણકારોનું અમેરિકન ટ્રેઝરી બોન્ડમાં વધતું જતું આકર્ષણ સોનાને ટેકારૂપ બની રહેશે. ગત સપ્તાહે સોનું 0.70 ટકા વધીને બે સપ્તાહની ઉંચાઈએ ગયું હતું. નબળા ડોલરના ટેકે સોનું 1230 ડોલર આસપાસ અથડાય છે. 
ક્રીપ્ટોકરન્સીને ઉપરાંત ક્રૂડ ઓઇલના ઝડપી ભાવઘટાડાએ પણ રોકાણકારોને જોખમી અસ્કયામતોમાંથી હળવા થઇ જવાની ફરજ પાડી છે. માગની તુલનાએ તેલનો પુરવઠો ઝડપભેર વધી રહ્યો છે, સામે માગ ઘટી રહી હોવાથી વેચવાલીનું જોર વધ્યું છે. તેલના સૌથી મોટા બે ગ્રાહક દેશો ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધે બજારની અચોક્કસતાને ઉજાગર કરી છે. આમ છતાં વાર્ષિક ધોરણે સોનાના ભાવ ગત વર્ષે વધ્યા ન હતા, જ્યારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં આજ સુધીમાં પાંચમી વખત વિક્રમરૂપ પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો હતો. વાસ્તવમાં જાન્યુઆરીથી સોનાના ભાવ 1360 ડોલરથી ઘટીને 1230 ડોલર થયા છે.
જો બન્ને અસ્કયામતોના આંકડાઓનું અવલોકન કરવામાં આવે તો બન્ને વચ્ચે કોઈ હકારાત્મક કે નકારાત્મક સંબંધ જ નથી. ક્રીપ્ટોકરન્સીમાં મોટાં મોટાં ગાબડાં પડ્યાં હોવાથી સોનાના ભાવ વધ્યા છે એમ કહેવું મહદ્ અંશે અયોગ્ય ગણાશે. જોવા જઈએ તો સોના કરતાં ક્રીપ્ટોકરન્સીમાં રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવી દીધા છે. સોનાના ભાવ પણ ઘટ્યા છે, જે તેના અલગ આંતરપ્રવાહને આભારી છે. જો સોના અને બિટકોઇનનો લાંબા ગાળાના ઝોકનો અભ્યાસ કરીએ તો 2009માં શોધાયેલા બિટકોઇને સોનાને સાવ ઝાંખું પાડી દીધું છે. બિટકોઇનના ભાવની હાલની તરાહને જોઇને જો કોઈ એવી દલીલ કરતું હોય કે બિટકોઇન 3000 ડોલરની અંદર ઊતરી જશે તો તેનો લાભ સોનાને મળશે તો તે સાવ ખોટી વાત છે. 
અમેરિકાના ભૂતપૂર્વ સાંસદ રોન પોલે એક સર્વેક્ષણને આધારે કહ્યું હતું કે 22થી 37 વર્ષના મહત્તમ યુવા રોકાણકારો લાંબા ગાળાના રોકાણ માટે અમેરિકન ડોલર અને સોના કરતાં બિટકોઇનને વધુ પસંદ કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer