સીંગદાણાની નિકાસને પ્રોત્સાહન નહીં મળે તો ઉદ્યોગ ખતમ થઈ જશે

સીંગદાણાની નિકાસને પ્રોત્સાહન નહીં મળે તો ઉદ્યોગ ખતમ થઈ જશે
આફ્રિકન દેશોના સસ્તા સીંગદાણાના આક્રમણથી ભારતને નિકાસમાં મુશ્કેલી
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4 ડિસે.
સીંગદાણા બનાવવાનો ઉદ્યોગ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર વિકસ્યો છે. નાનાં મોટાં અનેક ગામ-શહેરોમાં સીંગદાણા ઉત્પાદનના યુનિટો ફેલાયેલા છે પરંતુ નિકાસમાં સરકારી નીતિને કારણે ત્રણેક વર્ષથી પછડાટ જોવાઇ રહ્યો હોવાથી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સીંગદાણા ઉત્પાદકો અને નિકાસકારો સીંગદાણાની નિકાસ ઉપર ઇન્સેન્ટિવ આપવાની માગણી કરી રહ્યા છે. આફ્રિકાના દેશોમાંથી સસ્તા દરે નિકાસ બજારમાં સીંગદાણા વેંચવામાં આવતા હોવાથી ભારતને ખૂબ મુશ્કેલી પડી રહી છે. સરકાર વહેલી તકે પ્રોત્સાહન ન આપે તો સીંગદાણા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાય જશે. અસ્તિત્વ સામે પડકાર સર્જાય તેમ છે.
ડીએસએન ગ્રુપના નીરજ અઢિયા કહે છે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, કેશોદ, માણાવદર, બાંટવા, અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, તળાજા, મહુવા, રાજકોટ, ગોંડલ, વેરાવળ, ઉના, કોડીનાર, ખંભાળિયા, જામનગર તથા દ્વારકામાં મગફળીનું બહોળું ઉત્પાદન થાય છે. આ સાથે સીંગદાણાનો વેપાર પણ મોટા પાયે વિકસ્યો છે. જોકે બે ત્રણ વર્ષથી મંદીને લીધે કારખાનાઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે.  કારખાનાઓની સંખ્યા આશરે ત્રણ હજાર કરતાં વધારે છે. જોકે હવે ભારતમાંથી ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં પણ માંડ માંડ નિકાસ થાય છે. 
ભારતની તુલનાએ આફ્રિકાના દેશો સસ્તાં દાણા નિકાસ કરી શકતા હોવાથી ભારતની નિકાસને ફટકો પડયો છે. ભારતીય ખેડૂતોને એ કારણે પૂરતું વળતર મળતું નથી.  સીંગદાણાની નિકાસ ઉપર સરકાર 3 ટકાનું વિશેષ કૃષિ ઊપજ તરીકેનું પ્રોત્સાહન આપે તો નિકાસમાં ફાયદો થાય તેમ છે. એમ કરવાથી સરકારને પણ કરોડો રૂપિયા ખર્ચીને મગફળી ખરીદવી નહીં પડે તેવી રજૂઆત વાણિજ્ય મંત્રાલયમાં વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.
સીંગદાણાને પ્રોત્સાહન તો ઠીક પણ પ્રવર્તમાન સમયે જે નિકાસ થઇ રહી છે તેમાંય અડચણ આવી રહી છે. રશિયામાં નિકાસ માટે એપેડાના સર્ટિફિકેટની કોઇ આવશ્યકતા નથી. એ ઉપરાંત અખાતી દેશોમાં પણ એપેડાનું સર્ટિફિકેટ આવશ્યક નથી. છતાં એપેડા દ્વારા આવા સર્ટિફિકેટનો ફરજિયાત આગ્રહ રાખવામાં આવે છે.  જો સરકાર એમાં છૂટછાટ આપે તો નિકાસ થતા જથ્થામાં પણ વધારો થઇ શકે તેમ છે એવું કારખાનેદારો કહે છે.
આફ્રિકામાં આર્જેન્ટિના, મોઝામ્બિક દાણાના ઉત્પાદનમાં અગ્રેસર છે પણ ત્યાંની સરકાર 1થી 15 ટકા સુધી લાભ આપે છે એટલે નિકાસ બજારમાં ફાવી ગયા છે. ભારત પ્રોત્સાહનના અભાવે પાછળ રહી જાય છે. સરવાળે ખેડૂતોને સહન કરવાનું આવે છે. સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ઇચ્છે છે. એ પ્રોત્સાહનના પગલાને કારણે વધુ સાર્થક થઇ શકે તેમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer