ધિરાણના અભાવે હીરા અને ઝવેરાતની નિકાસને અસર થવાની આશંકા

ધિરાણના અભાવે હીરા અને ઝવેરાતની નિકાસને અસર થવાની આશંકા
નવી દિલ્હી, તા. 4 ડિસે.
બૅન્ક ધિરાણના અભાવે નાણાભીડ ઉગ્ર બનતાં રત્નો અને આભૂષણોની નિકાસ પર માઠી અસર થવાની આશંકા ઝવેરાત ઉદ્યોગનાં સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.
પીએનબી કૌભાંડ બહાર આવ્યું ત્યારથી છેલ્લા નવ મહિનાથી ઝવેરીઓને તેમનું કામકાજ ચાલુ રાખવા ધિરાણ મેળવવામાં મુશ્કેલીઓ નડે છે. રિઝર્વ બૅન્ક ઝવેરાત ઉદ્યોગને ટૂંકા ગાળા માટે વિદેશી મુદ્રાની લોન આપવા પર પ્રતિબંધ ફરમાવતાં ઝવેરાત ઉદ્યોગે અન્ય સ્થળેથી વધુ વ્યાજે કરજ લેવું પડે છે. એક સ્થાનિક બૅન્ક પણ કટોકટીમાં સપડાઈ હોવાથી કૌભાંડની અસર વધુ ઉગ્ર બની છે.
ગત સપ્તાહે દિલ્હી સ્થિત પીસી જ્વેલર લિ.એ કહ્યું હતું કે આ વર્ષે નિકાસ કામકાજ આશરે 25 ટકા ઘટાડવાનો તેનો વિચાર છે, કારણ કે તે મુખ્યત્વે ઉધારી પર થતું વેચાણ નિવારવા માગે છે. દેશની ચીજ વસ્તુઓની કુલ નિકાસમાં 16 ટકા યોગદાન આવતાં ઝવેરાત અને રત્નોની નિકાસમાં આ વર્ષે એપ્રિલ-અૉક્ટોબર દરમિયાન બે ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017-'18માં રત્નો અને આભૂષણોની નિકાસ પાંચ ટકા ઘટીને 41 અબજ ડૉલર થઈ હતી, એમ જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા દર્શાવે છે.
6500 નિકાસકારોનું પ્રતિનિધિત્વ કરતી કાઉન્સિલના ઉપપ્રમુખ કુલીન શાહના કહેવા મુજબ આ વર્ષે રત્નો અને આભૂષણોની નિકાસ ગયા વર્ષની સપાટીએ સ્થગિત થઈ જાય એવી આશંકા છે. બૅન્કો અને અન્ય ધિરાણકારોનો આ ક્ષેત્ર પ્રત્યેનો અભિગમ નકારાત્મક બની જવાથી ધિરાણની સમસ્યા ઉગ્ર બની છે, એમ તેમણે કહ્યું હતું.
``હવે બૅન્કો પ્રત્યેક લોન અરજીને બબ્બે સૂક્ષ્મદર્શક કામમાંથી તપાસે છે. ધિરાણ મેળવવાની મુશ્કેલી અને જીએસટીને કારણે આવતાં બે ત્રિમાસિકમાં ઘણી રોજગારી નાશ પામે અને ભારતની નિકાસમાગ ચીન અને થાઇલૅન્ડ ભણી વળી જાય તેવી શક્યતા છે'' એમ શાહે કહ્યું હતું. ``રોકડની ખેંચ હજી થોડો વખત ચાલુ રહેશે કેમ કે બૅન્કોનો વિશ્વાસ ફરીથી સંપાદન કરતાં સમય લાગશે,'' એમ એશિયન સ્ટાર કંપનીના એમડી વિપુલ શાહે જણાવ્યું હતું.
હીરા ઘસવાનું અને વેચવાનું કામકાજ કરનારી પેઢીઓને કાચા હીરા ખરીદવા માટે ટૂંકાગાળાની લોનની જરૂર પડે છે. ``બૅન્કો ઝવેરીઓને તેમની ક્રેડિટ લિમિટ અને લોન ઘટાડવાનું કહી રહી છે. આ ક્ષેત્ર મોટા પાયે રોજગારી આપે છે અને રાષ્ટ્રીય આવકમાં 6-7 ટકાનો ફાળો આપે છે. ત્યારે બૅન્કો આવું શા માટે કહે છે?'' એમ અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ નીતિન ખંડેલવાલે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer