બૅન્કોની `ફ્રી સર્વિસ'' ઉપર જીએસટીનો બોજ ગ્રાહકોના શિરે આવશે

બૅન્કોની `ફ્રી સર્વિસ'' ઉપર જીએસટીનો બોજ ગ્રાહકોના શિરે આવશે
મુંબઈ, તા. 4 ડિસે.
બૅન્કો ખાતામાં ન્યૂનતમ બેલેન્સ જાળવી રાખતા ગ્રાહકોને મળતી `ફ્રી સર્વિસ' ઉપર ખાતેદારોએ હવે ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) ચૂકવવો પડશે. ટોચની બૅન્કો જેવી કે સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ), આઈસીઆઈસીઆઈ બૅન્ક અને એચડીએફસી બૅન્ક ફ્રી સર્વિસ ઉપર ચૂકવવા પડતા જીએસટીનો બોજો ખાતેદાર ઉપર નાખવાની વિચારણા કરી રહી છે. 
છેલ્લા બે મહિનાથી કર વિભાગ બૅન્કોને પ્રાથમિક નોટિસ ફટકારી રહી છે, જેમાં ચેક બુક ઈસ્યૂ કરવી, વધારાના ક્રેડિટ કાર્ડ આપવા, એટીએમનો વપરાશ અને ફ્યૂલ સરચાર્જના રિફંડ જેવી સર્વિસીસ ઉપર જીએસટી લાદવા માટે કહી રહ્યા છે. જીએસટી નોટિસ એપ્રિલમાં આપવામાં આવેલી નોટિસ કરતા જુદી છે, જેમાં દરેક બૅન્કોને સર્વિસ ટૅક્સ અને દંડની રૂા.  40,000 કરોડની રિકવરીનો સમાવેશ હતો. 
ઇન્ડિયન બૅન્કસ ઍસોસિયેશનના સીઈઓ વીજી કન્નને કહ્યું કે, મોટા ભાગની બૅન્કો હવે જીએસટી ખર્ચને ગ્રાહકોને માથે નાખવાની વિચારણા કરી રહી છે. જીએસટીની આ રકમ સીધી સરકારને મળશે. ગ્રાહકો પાસેથી કેટલો ચાર્જ લેવાશે તે બૅન્કોના હિસાબે નક્કી થશે કેમ કે આ ચાર્જનું મૂલ્ય ફ્રી સર્વિસીસ ઉપર આધાર રાખે છે. 
મોટા ભાગની અગ્રણી બૅન્કોએ ફ્રી સર્વિસીસ ઉપર 18 ટકા જીએસટી ચાર્જ લાદવાનું શરૂ કર્યું છે, એમ ઉદ્યોગના એક વ્યક્તિએ કહ્યું હતું. 
એક મલ્ટિનેશનલ બૅન્કના ટૅક્સ હેડે કહ્યું કે, અમે ગ્રાહકો પાસેથી જીએસટી વસૂલવા માટે સંમત છીએ. માળખું તૈયાર કરવું પડશે પરંતુ રિટેલ બૅન્કિંગમાં અમે અગ્રણી નહી હોવાથી અમે પહેલા મોટી બૅન્કોની પદ્ધતિનો અભ્યાસ કરીશું. કર વિભાગનો દાવો છે કે જે ગ્રાહકો તેમના બૅન્ક ખાતામાં ન્યૂનતમ બેલેન્સ જાળવી રાખે તેમને અમુક  ફ્રી સર્વિસીસ મળે છે, જે કરપાત્ર છે. જે ગ્રાહકોએ ન્યૂનતમ બેલેન્સ જાળવી રાખ્યું ન હોય અને જીએસટી ચૂકવ્યું હોય તેમને ચાર્જ કરવામાં પણ ગણતરી થશે.
કર નિષ્ણાતોનું કહેવું છે કે એપ્રિલમાં અમે બૅન્કોને સર્વિસ ટૅક્સ નોટિસની સ્પષ્ટતા કરી એ પછી પણ નોટિસ આવી રહી છે. પીડબ્લ્યૂસી ઇન્ડિયાના ડેપ્યુટી ઈનડાયરેક્ટ ટૅક્સ લીડર ધર્મેશ પંચાલે કહ્યું કે, ઉદ્યોગે નાણાં મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે. જીએસટી એફએક્યુમાં પણ ઉલ્લેખ છે કે બૅન્ક ખાતામાં ન્યૂનમત બેલેન્સ જાળવી રાખો તો પણ ફ્રી સર્વિસ કરમુક્ત હોઈ શકે નહીં. 
ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે જો આ સિદ્ધાંતને અન્ય ક્ષેત્રોમાં અથવા ડિસ્કાઉન્ટમાં લાદવામાં આવે તો કરની આવક વધુ થશે. ડિલોઈટ ઇન્ડિયાના પાર્ટનર એમએસ માનીએ કહ્યું કે, અમુક ગ્રાહકોએ અમુક માપદંડોનું પાલન નહીં કરતા બૅન્ક દ્વારા ચાર્જ ઉપર જીએસટી લાદવામાં આવે તો અમુક કેટેગરીના ગ્રાહકોના ખર્ચમાં વધારો થશે, તેમ જ એવા ઘણા કેસ હશે જેમાં સર્વિસ આપ્યા વિના ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હશે.
જીએસટી સંબંધિત આ નોટિસ મલ્ટિનેશનલ બૅન્કો જેવી કે ડીબીએસ બૅન્ક અને સિટીબૅન્કને પણ ફટકારવામાં આવી હોવાનું સૂત્રોએ કહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer