આરબીઆઇ આજે ધિરાણ દર જાળવી રાખે તેવી શક્યતા

આરબીઆઇ આજે ધિરાણ દર જાળવી રાખે તેવી શક્યતા
ખાદ્ય પદાર્થોના અને ક્રૂડતેલના ઘટી રહેલા ભાવ આરબીઆઇની મદદે
 
મુંબઈ, તા. 4 ડિસે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠકમાં ખાદ્ય પદાર્થોના અને ક્રૂડ તેલના ઘટી રહેલા ભાવના કારણે ધિરાણ દરો યથાવત્ રાખવામાં આવે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. 
ગયા અૉક્ટોબર માસમાં ડૉલર સામે રૂપિયો નબળો પડયો ત્યારે અને ક્રૂડના ભાવ સતત વધીને 82 ડૉલર સુધી પહોંચતાં એવી ધારણા હતી કે આરબીઆઇ તેની આગામી નાણાં સમીક્ષાની બેઠકમાં વ્યાજ દર વધારશે. જોકે, આરબીઆઇની રૂપિયો ડૉલર સામે રિકવર થશે એવી ધારણા સાચી પડી હોવાથી આવતી કાલે આરબીઆઇની એમપીસીની બેઠકમાં વ્યાજ દરો જાળવી રાખવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે. 
ડૉલર સામે રૂપિયો તેના નીચલા સ્તરથી છ ટકા સુધર્યો હોવાની સાથે ક્રૂડ અૉઇલના ભાવમાં પણ નરમાઇ આવી હોવાથી રૂપિયો ડૉલર સામે ઓર મજબૂત થવાની ધારણા સમીક્ષકો ધરાવી રહ્યા છે.
આઇસીઆઇસીઆઇ સિકયુરિટીઝના એ.પ્રસન્નાએ જણાવ્યું છે કે આવતા માર્ચ મહિના સુધી વ્યાજ દરોમાં વધારો થવાની શક્યતા જણાતી નથી. ક્રૂડ અૉઇલના ભાવ ઘટવાથી અને રૂપિયો ડૉલર સામે મજબૂત થવાના કારણે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) અંકુશમાં આવી શકે તેમ હોવાથી પણ વ્યાજ દર વધારાની જરૂર આરબીઆઇને નહીં પડે, એમ તેમણે જણાવ્યું હતું. 
આરબીઆઇએ ગયા અૉગસ્ટ માસમાં ધિરાણ દરમાં 0.5 ટકાનો વધારો કરી તે 6.50 ટકા કર્યા હતા. રોઇટર દ્વારા કરાયેલા સર્વેમાં 70 જેટલા અર્થશાત્રીઓએ ધિરાણ દર યથાવત્ રહેવાની આગાહી કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer