ગરીબથી તવંગર સુધી છૂટથી વપરાતાં જીવનાવશ્યક

ગરીબથી તવંગર સુધી છૂટથી વપરાતાં જીવનાવશ્યક
ખજૂર ઉપર ઊંચા જીએસટીથી વપરાશને ફટકો 
 
નિલય ઉપાધ્યાય
રાજકોટ, તા. 4 ડિસે.
અખાતી દેશોનું અમૃતફળ ખજૂર ભારતમાં હવે જીવનાવશ્યક ચીજ તરીકે રોજ વપરાય છે. ગરીબથી તવંગર સુધી ખજૂર દિનચર્યામાં વણાઇ ચૂક્યો છે. છતાં સરકાર જીએસટીમાં જીવનાવશ્યક કે સૂકામેવાની શ્રેણીમાં ય ન ગણતી હોવાથી ખજૂર મોંઘો થઇ ગયો છે! 12 ટકા જેટલા ઊંચા જીએસટીને લીધે વપરાશ ઉપર સીધી જ અસર પડી છે.
નવેમ્બર મહિનાથી દેશમાં નવા ખજૂરની સિઝન સામાન્ય વર્ષોમાં જામતી હોય છે. છે ક એપ્રિલ સુધી હળવે હળવે ખજૂર અખાતી દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવે છે. પરંતુ સરકાર ખજૂરને આવશ્યક ચીજ ગણતી નથી ! જીએસટી લાગુ થયો ત્યારથી 12 ટકાની શ્રેણીમાં ગણ્યો છે એટલે પોસાય તેવો ભાવ રહ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, કાજુ-બદામ તથા અન્ય સૂકામેવા ઉપર 5 ટકા જ જીએસટી છે! સૂકો મેવો ધનિક કે ઉચ્ચ મધ્યમ વર્ગ ઉપયોગમાં વધારે લેતો હોય છે. બીજી તરફ ખજૂર મજૂર અને ખેડૂતોથી સામાન્ય લોકો સુધી સુલભ અને અત્યંત આરોગ્યપ્રદ હોવાને લીધે વપરાય છે પણ ખૂબ.
ખજૂર અને સૂકા મેવા વચ્ચે વપરાશના ભારે વિરોધાભાસ છતાં સરકાર જીએસટી ઘટાડતી નહીં હોવાથી વપરાશકારોમાં ય રોષ વ્યાપ્યો છે. ખજૂરના આયાતકારો દેશમાં બે ડઝન કરતા વધારે નહીં હોય પરંતુ વેપારીઓ તો અનેક છે. તમામ સ્તરે રજૂઆત પછી પણ સરકાર જીએસટી ઘટાડવામાં એકની બે થતી નથી.
ઠંડીના આરંભ સાથે ખજૂરનો વપરાશ સામાન્ય રીતે વધતો હોય છે. દિવાળી આસપાસથી અખાતી દેશોમાંથી આવક શરૂ થતા અત્યાર સુધીમાં આશરે 20થી 25 હજાર ટન ખજૂર ગુજરાતના મુન્દ્રા અને પોરબંદરમાં ઉતરીને ગુજરાતની સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી પહોંચી ચૂક્યો છે તેમ રાજકોટના અગ્રણી ઠા. તુલસીદાસ રામજીભાઇના રાજુભાઇએ કહ્યું હતુ.રાજકોટની છૂટક બજારમાં જાયદી, સાઇની અને કિમીયા જેવી વેરાઇટીઓ વધારે ચાલે છે. એક કિલો ખજૂર રૂા. 40થી 120માં મળે છે. સૌથી મોંઘો ખજૂર અજવા નામે આવે છે. જોકે, મુંબઇ સિવાય આવક રહેતી નથી. મુંબઇમાં પણ જૂજ આવે છે. અજવાનો ભાવ એક કિલોએ રૂા. 1100-1200 જેટલો થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer