એમ્બ્રોઇડરી દોરા ઉત્પાદકોએ પેમેન્ટના દિવસો ઘટાડયા

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત,  તા. 7 ડિસે.
એમ્બ્રોઇડરીમાં વપરાતા દોરા અને જરીના ઉત્પાદકો આર્થિક ભીંસમાં હોવાને લીધે હવે પેમેન્ટના દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 90 દિવસે પેમેન્ટ સ્વીકારાતાં હતાં પણ હવે તેના દિવસો ઘટાડીને 60 કરવામાં આવ્યા છે. સુરતના એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક ઍસોસિયેશનની બેઠકમાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સિક્યુરિટી ચેક વિના વેપાર નહીં કરવામાં આવે તેવું પણ નક્કી થયું છે.
એમ્બ્રોઈડરી થ્રેડ અને જરી ઉત્પાદક ઍસોસિયેશનની બેઠકમાં 200 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળી અગાઉ થયેલી બેઠકમાં વેપાર ધારો 90 દિવસનો નક્કી કરાયો હતો, જે તાજેતરની બેઠકમાં પેમેન્ટ ધારો બદલીને 60 દિવસનો નક્કી કર્યો છે. થ્રેડ ઉત્પાદક નાના વેપારીઓને આર્થિક મુશ્કેલી પડી રહી છે.
એમ્બ્રોઈડરીના કારખાનેદારો મોડું પેમેન્ટ કરે તે પોસાય તેમ નથી. આ સંજોગોમાં પેમેન્ટ ઝડપથી મળી રહે તે પ્રકારનું આયોજન આવશ્યક છે. સંગઠનની બેઠકમાં નાણાભીડ ઓછી કરવા માટે વેપાર ધારામાં બદલાવ કરવાનો નિર્ણય કરાયો છે.
કાપડઉદ્યોગમાં નબળી સ્થિતિના કારણે શહેરમાં ઘણા એમ્બ્રોઈડરી કારખાનેદારોને મશીન વેચવાની નોબત આવી છે. આ સ્થિતિમાં થ્રેડના ઉત્પાદક વેપારીઓને પોતાની મૂડી ફસાઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિ જોતાં શહેરના થ્રેડ એસોસિયેશને એક કમિટી બનાવવાનું નક્કી કર્યુ છે. 15 સભ્યોની કમિટી શહેરભરમાં એમ્બ્રોઈડરીના ખાતેદારોની રૂબરૂ જઈ તપાસ કરશે. કારખાનેદારોનાં ખાતાંમાં કોઈ નાણાકીય ગરબડ જણાશે તો આ કમિટી માલસામાનની સપ્લાય અટકાવતો રિપોર્ટ જે તે ટ્રેડર્સને કરશે. 
નોંધવું કે, એમ્બ્રોઈડરી થ્રેડ અને જરી ઉત્પાદકોનાં પેમેન્ટના કડક નિયમ બાદ આગામી દિવસોમાં એમ્બ્રોઈડરીના ખાતેદારોને માથે ઝડપથી નાણાં ચૂકવણાનું જોખમ તોળવાની સંભાવના છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer