મોંઘી જમીનને લીધે રાજકોટમાં કન્ટેઇનર ડેપો આડે અડચણ

સરકારે 100 કરોડનું એમઓયુ કર્યું હતું ને લગભગ 400 કરોડ ફક્ત જમીનના માગ્યા! રેલવે હસ્તકની કોન્કોર પ્રોજેક્ટમાંથી ખસી જવાની તૈયારીમાં 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 7 ડિસે.
ઇનલેન્ડ કન્ટેઇનર ડેપોના નામે સૌરાષ્ટ્રના નિકાસકારોને લટકતું ગાજર આપવામાં આવ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ સરકારે કર્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતની 2017ની સમિટમાં રાજકોટ ખાતે ડેપો માટે રૂા. 100 કરોડની કિંમતનું એમઓયુ કરવામાં આવ્યું હતું. પરંતુ જમીનની કિંમત એમઓયુ કરતા અધધ ચાર ગણી નક્કી કરી દેવાઇ છે. હવે આ પ્રોજેક્ટ સ્થાપવા માટે રેલવે હસ્તકનું કોન્કોર પણ હિંમત હારી ગયું છે. સરકાર જમીનની કિંમત અંગે ફેરવિચારણા ન કરે તો આ એમઓયુ અન્ય કરારોની જેમ આભાસી બની રહે તેમ છે.
રાજકોટ ચેમ્બર અૉફ કૉમર્સ દ્વારા ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો માટે વારંવાર સરકારને રજૂઆત કરાઇ હતી. બાદમાં રાજ્ય સરકાર સાથે રેલ મંત્રાલય હસ્તકના કોન્કોર સાથે વાઈબ્રન્ટમાં ઢોલનગારા પીટીને રાજકોટને કન્ટેઇનર ડેપો મળશે એવી જાહેરાતો કરવામાં આવી હતી. હવે જમીનની કિંમત એટલી બધી ઊંચી રાખવામાં આવી છે કે પ્રોજેક્ટ સાકાર થઇ શકે તેમ રહ્યો નથી. પ્રોજેક્ટનું ખર્ચ ખૂબ ઊંચે જાય તેમ હોવાને લીધે કોન્કોર્ડ દ્વારા કલેક્ટરને પત્ર લખીને ડેપોની કામગીરીમાંથી ખસી જવા કહી દીધું છે.
ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા કહે છે, જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમ પાસે પરાપીપળિયામાં 1.25 લાખ ચોરસમીટર જગ્યા કલેક્ટરે ફાળવી છે. જોકે, એ માટે 385 કરોડ જમા કરાવવા કોન્કોર્ડને કહેવામાં આવ્યું છે. એમઓયુ 100 કરોડના થયા છે અને 400 કરોડ આસપાસની રકમ મંગાતા કોન્કર્ડે સરકારને જમીન સસ્તી આપવા વિનંતી કરવી પડી છે.
આંધ્ર પ્રદેશ સરકારે 60 વર્ષના ભાડાપટ્ટે રૂા. 1000 પ્રતિ એકરના ભાવે જમીન ફાળવી છે. ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્રના નિકાસકારો પ્રવર્તમાન સમયે મુંદ્રા-કંડલાથી કન્ટેઇનરો રોડ મારફતે મોકલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી રોજ નિકાસ માટે આશરે 4 હજાર કન્ટેઇનરો અને આયાત માટે 1500 કન્ટેઇનરોનો ટ્રાફિક આપે છે. ડેપો મળે તો નિકાસકારોની સમસ્યા હળવી થાય એમ છે અને આયાત-નિકાસ સસ્તી પણ પડે તેમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer