અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 7 ડિસે.
અમેરિકા નાણા નીતિ સખત બનાવીને વ્યાજદર વધારાની પ્રક્રિયાને રોકશે તેવો ભય ફેલાતા સોનામાં ટ્રેડિંગના અંતિમ દિવસે સુધારો આવતા 1241 ડોલરના સ્તરે મક્કમ હતું. ડોલર નબળો પડવાને લીધે ચાલુ સપ્તાહે સોનાનો ભાવ પાછલા પંદર અઠવાડિયામાં સૌથી વધુ સુધારો નોંધાવવામાં સફળ રહ્યો હતો. શુક્રવારે અમેરિકાના બિનકૃષિ ક્ષેત્રના રોજગારીના આંકડાઓની જાહેરાત થવાની હતી. ગઇકાલે ટ્રમ્પે લેબર માર્કેટ ખૂબ સારી સ્થિતિમાં હોવાના સંકેતો આપ્યા હતા એટલે આંકડાઓ અંગે ઉત્કંઠા વધી ગઇ છે. નવેમ્બર મહિનાના પેરોલ ડેટા 2 લાખ આવે એવી ધારણા ખાનગી સમાચાર સંસ્થાઓ વ્યક્ત કરી રહી છે. અમેરિકાના બેરોજગારીના દર અને મજૂરીના દરો પણ જાહેર થવાના હતા.
ડિસેમ્બરમાં અમેરિકાનો વ્યાજદર વધે તેમ છે. એ વધી જાય એ પછી નવા વર્ષ માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી જાય તેમ જણાય છે. સોના ઉપર નાણાનીતિનો સીધો પ્રભાવ પડી રહ્યો છે કારણકે ડોલરની વધઘટના તાલે સોનું વધી કે ઘટી રહ્યું છે. ચાર્ટ પ્રમાણે સોનું વર્ષાન્ત સુધીમાં 1250-1260 સુધી જઇ શકે છે. જોકે 1210થી ઘટી જાય તેવી સંભાવના ઓછી દેખાય છે. રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 50 વધીને રૂ. 31,900 હતો. ચાંદી ન્યૂયોર્કમાં 14.50 ડોલર હતી. રાજકોટમાં એક કિલોએ રૂ. 200 વધીને રૂ. 37,200 હતી. મુંબઇ સોનું રૂ.100 વધીને રૂ. 31,215 અને ચાંદી રૂ. 310 વધીને રૂ. 36,640 હતી.