સૌરાષ્ટ્રમાં રવી વાવેતરને ગંભીર ફટકો

ગુજરાતમાં વાવણીમાં 29 ટકાની ભારેખમ ખાધ : ઘઉં-મસાલા પાકમાં ગાબડું પડશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.7 ડિસે.
 રવી વાવેતરના વિસ્તારને ગુજરાતમાં ભારે ફટકો પડયો છે. પાણીની અછતને લીધે વાવેતર 29 ટકા નબળું રહ્યું છે. જોકે, સૌરાષ્ટ્ર સામાન્ય રીતે રવી પાકનું મબલક વાવેતર કરતો વિસ્તાર છે. પરંતુ આ વર્ષે વાવેતર ઘણું પછાત છે. અપૂરતા વરસાદે અત્યારથી જ દુષ્કાળ સર્જી દેતા મુશ્કેલી ઊભી થઇ છે.
ગુજરાતમાં 23.63 સામે 16.92 લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકની વાવણી થઇ છે. જોકે,  એમાં સૌરાષ્ટ્ર ઘણું પાછળ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ફક્ત 2.92 લાખ હેક્ટરમાં વાવેતર  થયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે 7 લાખ હેક્ટરમાં વાવેતર છે. મધ્ય ગુજરાતમાં 4.86 અને દક્ષિણ ગુજરાતમાં 1.57 લાખ હેક્ટર વાવેતર થયું છે. કચ્છ વિસ્તારમાં તો ફક્ત 53 હજાર હેક્ટર વાવણી થઇ શકી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ નર્મદાના પાણી મળી રહ્યા છે એટલે વાવેતર થોડું નોંધપાત્ર છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્થિતિ અતિ ગંભીર છે. પાણીની તંગીને લીધે ખેડૂતો ટળવળી રહ્યા છે. કેનાલોમાંથી પાક માટે પૂરતું પાણી અપાતું નથી. સૌરાષ્ટ્રમાં તો સુરેન્દ્રનગર સુધી જ સિંચાઇ વ્યવસ્થા છે. બાકીના વિસ્તારોમાં ડેમો ઉપર આધાર રાખવો પડી રહ્યો છે.  કચ્છમાં તો વરસાદ જ થયો નથી એટલે વાવેતર માત્ર 53 હજાર હેક્ટરમાં છૂટું છવાયું રહ્યું છે.
હવે શિયાળાની અસ્સલ ઠંડીની શરૂઆત થઇ છે. સવારે અને રાત્રે વાતાવરણમાં ટાઢોડું વર્તાય છે એટલે પાણી પ્રશ્ને થોડી રાહત છે. પરંતુ જાન્યુઆરીના મધ્યભાગથી પાક માટે પાણીની કટોકટી સર્જાવાની પૂરતી સંભાવના છે. ગુજરાતમાં હજુ પાછલા ત્રણ વર્ષની તુલનાએ ફક્ત 53 ટકા વાવણી જ થઇ શકી છે. સામાન્ય રીતે વાવેતર 31 લાખ હેક્ટર થતું હોય છે. આ વર્ષે કદાચ 22-25 લાખ હેક્ટર આસપાસ જ માંડ માંડ પહોંચી શકે તેમ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer