ઓપેક રાષ્ટ્રો વચ્ચે મતભેદ

લિબિયા, ઇરાન અને વેનેઝુએલાની કરારમાંથી છૂટા થવાની માગણી 
ઈબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા, 7 ડિસે.
ક્રૂડ અૉઇલના તેજીવાળા માટે શુક્રવારે, જ્યારે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને 30 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહનો અૉઈલ વપરાશ 73 લાખ બેરલ મુક્યો ત્યારે સાનંદાશ્ચર્ય સર્જાયું હતું. બે દિવસ અગાઉ અમેરિકન પેટ્રોલીયમ ઇન્સ્ટિટયૂટે તેજીવાળાને નિરાશ કરી દે તેવો પુરાંત સ્ટોક વૃદ્ધિનો સમાન સપ્તાહનો આંકડો 53.6 લાખ બેરલ મુક્યો હતો, પરિણામે મંદીવાળાને અમેરિકન બેન્ચમાર્ક ક્રૂડ અૉઈલ વાયદો ડબ્લ્યુટીઆઈ ગુરુવારે બાવન સપ્તાહના તળિયે 49.41 ડૉલર સુધી લઇ જવાની પ્રેરણા આપી હતી, પણ શુક્રવારે ઇન્ટ્રાડેમાં ભાવ 51.76 ડૉલર મુકાયો હતો. ઓપેક અને નોન-ઓપેક દેશો આગામી વર્ષથી કેટલો ઉત્પાદન કાપ મુકે છે તેના પર, બજારનો જીવ પડીકે બંધાયેલો છે. 
માગની તુલનાએ બજારમાં ફરતા વ્યાપક પુરવઠાએ બે જ મહિનામાં ભાવ 8 અૉક્ટોબરની 79.90 ડૉલરની ઊંચાઈથી 30 ટકા ગબડીને ગુરુવારે વાર્ષિક તળિયે મુકાયા હતા. બે દિવસીય ઓપેક વિયેના બેઠકના પહેલે દિવસે કંટાળેલા સાઉદી અરેબિયાના અૉઈલ મિનિસ્ટર ખાલીદ અલ-ફલીહ બેઠક છોડીને બહાર આવી ગયા, ત્યારે તેઓ જે કઈ કહી રહ્યા હતા કે તેમાં વિશ્વાસનો અભાવ હતો, તેઓ ઉત્પાદન કાપ બાબતે બોલી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે સભ્ય દેશો વચ્ચે ઉત્પાદન કાપ નિર્ધારિત થશે કે નહિ તે પણ નક્કી નથી. શુક્રવારે (આજે) મોડેથી રશિયા આ મિટિંગમાં જોડાયા બાદ જાગતિક ઉત્પાદકો ઉત્પાદન કાપ કરાર પર સહી સિક્કા કરવાના છે. પણ ગુરુવારે તો મિટિંગમાં એવી ચિંતા હતી કે વધી રહેલા માલ ભરાવાને કેમ પહોંચી વળવું? 
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તો સાઉદી અરેબિયા પર ઉત્પાદન ઘટાડવા અને ભાવને નીચે રાખવાનું દબાણ સતત વધારી રહ્યા છે. પણ સાઉદી અરેબિયા તો ભાવ વધી શકે તે માટે ઉત્પાદન કાપનો પ્રસ્તાવ ધરાવે છે કારણ કે તેમની ઈકોનોમીના હાલ બે હાલ થઇ રહ્યા છે. ફલીહએ કહ્યું હતું કે ઓપેક સભ્યો જગતની કુલ સપ્લાયના 1 ટકા કરતા વધુ નહિ, તે રીતે દૈનિક 10 લાખ બેરલથી વધુ ઉત્પાદન કાપ કરવાના મતના નથી.પણ એનાલિસ્ટોનું માનવું છે કે જો ભાવ ઘટતા અટકાવવા હોય તો દૈનિક ઓછામાં ઓછું 13થી 15 લાખ બેરલ ઉત્પાદન કાપ મુકવો જોઈએ. ફલીહ કહે છે કે મતભેદ એ પણ છે કે કયો દેશ કેટલો ઉત્પાદન કાપ મુકે. 
જો ઉત્પાદનકાપની ગેમ રમવામાં આવે તો કેમ કેટલું નુકસાન સહન કરશે તે પણ ચર્ચાનો વિષય છે. ઓમાનના ઓઈલ મિનિસ્ટર મોહમ્મદ અલ રૂમીહ કહે છે કે અમારા નાગરિકો, અમારા ઉદ્યોગો બધા જ ઊર્જા સાથે સંકળાયેલા છે. એનાલિસ્ટો કહે છે કે વિયેના બેઠકમાં બકાલાના પોટલાની ગાંઠ છૂટી જશે તો ઓપેકના માથે મોટી છરી પડવાનો પણ ભય છે. અમને લાગે છે કે ફલીહ તેમના હાથમાંનું મિટિંગનું સ્ટીયરિંગ વ્હીલ હલાવવાનો પ્રયાસ કરવાની સ્થિતિમાં પણ નથી. લીબિયા, ઈરાન અને વેનેઝુએલા કહે છે કે આ કરારમાંથી અમને બાકાત રાખો કારણ કે અમે નિકાસમાં માર ખાધો છે.
ઓપેક બહારના સૌથી મોટા ઉત્પાદક દેશ રશિયા, જોઈ રહ્યું છે કે આ વખતે કરાર મુશ્કેલીમાં છે, પણ આ બધું ક્યા સુધી ચાલશે તે પણ નક્કી નથી. ઓપેક અને અન્ય દેશો દ્વારા ઉત્પાદન કાપ બાબતે અનિશ્ચિતતાઓ પ્રવર્તતી હોવાથી આ સપ્તાહના આરંભથી જ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે. આટલું જ નહિ જાન્યુઆરીથી કતારએ ઓપેક છોડી દેવાની ઘોષણા કરી દીધી છે. અફવા તો એવી પણ છે કે ઓપેકના બીજા નંબરના મોટા ઉત્પાદક દેશ ઈરાક પણ ઉત્પાદન ઘટાડાની વાસ્તવિકતા સ્વીકારી શકે તેમ ન હોવાથી તે પણ કતારની કટારમાં ઊભું જ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer