નરોડા જીઆઇડીસી પ્રદૂષિત પાણીને શુદ્ધ કરશે

કેમિકલયુક્ત પાણીનો પ્રશ્ન ઉકેલાશે 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 7 ડિસે.
ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ અને પ્રદૂષિત પાણી લોકો અને સરકાર માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યું છે. પાણી જમીનમાં ભળી જાય તો સારી એવી ઉપજાઉ જમીન પણ પડતર બની જાય છે. જોકે,  હવે આ સ્થિતિ અટકે તેમ છે. અમદાવાદની નરોડા જીઆડીસીમાં ભારતનો પહેલો એવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે કે જે કેમિકલ યુક્ત ગંદા પાણીને પૂર્ણ રૂપથી શુદ્ધ કરી શકે છે. 
નરોડા જીઆઈડીસીના પ્રમુખ શૈલેષભાઇ પટવારી કહે છે કે `અમે સરકારની કોઈપણ જાતની સહાય વગર અંદાજે 14 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવી રહ્યા છીએ. આનાથી રોજનું 1.40 કરોડ લિટર કેમિકલયુક્ત પાણી શુદ્ધ કરવામાં આવશે જેથી કરીને પર્યાવરણને થતી હાનિ અંકુશમાં આવી શકે. 
નરોડા જીઆઇડીસીમાં કેમિકલના કારખાના આવેલા છે અને આ ઉપરાંત અલગ અલગ કારખાનામાંથી પ્રોસેસ થયેલું પાણી અને તેના નિકાલની મોટી સમસ્યા રહે છે. અમદાવાદ નગર પાલિકા પાસે ખુદ ગંદા પાણીને શુદ્ધ કરી શકે તેવા મોટા પ્લાન્ટ નથી. સાબરમતી નદીમાં ગંદા પાણીને છોડતા અટકાવવા નગર પાલિકા 500 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ માગે છે. જોકે, નરોડા જીઆઇડીસી પોતાની જવાબદારી સમજીને આ કામ કરી રહી છે.   આ આખો પ્લાન્ટ ઇઝરાયલ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ પોતાના દેશને જોઈતા પાણીમાંથી 60 ટકા પાણી તો ટ્રીટમેન્ટ કરીને ઉપયોગ કરે છે.  નરોડામાં હાલ 260 નાના મોટા કારખાના આવેલા છે. જીપીસીબીની નોટિસ અનેક એકમોને મળતી રહે છે. તેમાં ગંદુપાણી એક મોટી સમસ્યા છે. જાન્યુઆરી મહિનામાં આ પ્લાન્ટ શરૂ થઇ જશે અને ગંદા પાણીના નરોડા જીઆઈડીસીનો ઉકેલ આવી જશે તેવું લાગે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer