નવસારી-સુરતના અસરગ્રસ્ત ખેડૂતોએ જપાનના અધિકારીઓ સમક્ષ વ્યથા માંડી

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ
 
ખ્યાતિ જોશી
સુરત, તા. 7 ડિસે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી સૂચિત બુલેટ ટ્રેનનાં મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જમીન સંપાદન મામલે અમદાવાદથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી ખેડૂતોનો ભારે વિરોધ છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને ફંડ પૂરું પાડનાર જપાન ઈન્ટરનેશનલ કૉર્પોરેશન એજન્સી(જીકા) કંપનીના અધિકારીઓએ આ મામલે જાતે સ્થળ તપાસ કરી અસરગ્રસ્તો સાથે સંવાદ કરી તેઓની રજૂઆત સાંભળી છે.
સુરતની બે દિવસની મુલાકાતે પધારેલા જીકાના અધિકારીઓએ આજે નવસારી અને સુરતના કઠોરમાં અસરગ્રસ્તો ખેડૂતો સાથે વાર્તાલાપ કરી તેઓનાં ખેતર-ઘરની મુલાકાત લીધી હતી. નવસારી અને કઠોરની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ, ખેડૂત સમાજ ગુજરાત સહિતનાં સંગઠનના પ્રમુખો અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. 
ખેડૂત સમાજના આગેવાનોએ છેક જપાન જઈને પોતાની રજૂઆત કરવાની વાત કરી હતી. જીકાના અધિકારીઓ સાથે બેઠક કરવા સમય માગવામાં આવ્યો હતો. જોકે જીકાના અધિકારીઓના એક પ્રતિનિધિમંડળે જાતતપાસ કરી સીધા જ ખેડૂતોને મળવાનું નક્કી કરતાં અસરગ્રસ્તોની રજૂઆત કરવાનો માર્ગ મોકળો બન્યો છે.  જીકાનું પ્રતિનિધિમંડળ સુરત આવતાં ખેડૂત સમાજને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.
ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલ કહે છે કે, જીકાના બે અધિકારીઓ જપાનથી આવ્યા છે અને બે અધિકારીઓ દિલ્હીથી આવ્યા છે. નવસારી અને કઠોરમાં અમારી રજૂઆત કર્યા બાદ અસરગ્રસ્ત ખેડૂતો સાથે અધિકારીઓનો વાર્તાલાપ કરાવ્યો છે. આવતી કાલે સુરતમાં અમે અધિકારીઓ સાથે ખેડૂત સમાજના આગેવાનો અને અન્ય અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજીશું. જેમાં અમારી વિધિસર તમામ રજૂઆત કરીશું. 
નોંધવું કે, જમીન સંપાદન મામલે સરકારનું વલણ દરેક રાજ્યમાં ફેરબદલવાળું રહેતાં ખેડૂતોએ કેન્દ્ર સરકારના કાયદા-2013 મુજબ સંપાદન નહિ થતાં હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેની સુનાવણી આગામી 10મી ડિસેમ્બરથી થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer