હવે રાજકારણ જોરશોરમાં

પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ તો અગિયારમી ડિસેમ્બરે - આવતા મંગળવારે જાહેર થશે પણ સંખ્યાબંધ એજન્સીઓનાં સર્વે - મોજણી -અહેવાલ આવી રહ્યા છે. સત્તાવાર પરિણામ આવ્યાં પછી હવે પછીની રાજકીય સ્થિતિનો અંદાજ આવી શકશે- છતાં એક બાબત નક્કી છે કે પરિણામ ગમે તે આવે હવે પછીના ત્રણ-ચાર મહિના `તોફાની' હશે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે જોરશોરથી થશે. મુખ્ય આધાર ભાજપ અને કૉંગ્રેસને કેટલાં રાજ્યોમાં સત્તા મળે છે અને સત્તા મળે નહીં તો પણ કૉંગ્રેસ કેટલી બેઠકો મેળવી શકે છે- તેના ઉપર રહેશે.
પરિણામો ભાજપની તરફેણમાં આવે તો અયોધ્યામાં રામમંદિર અંગે સરકાર સક્રિય બનશે. પરિણામ આવ્યાં પછી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થાય છે- લોકસભાની ચૂંટણી પહેલાં ટૂંકું બજેટ સત્ર હશે અને શક્ય છે કે મોદી સરકાર વચગાળાના બજેટને બદલે સંપૂર્ણ બજેટ રજૂ કરે.
વીવીઆઈપી હેલિકૉપ્ટરના સોદામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું જગજાહેર છે. ઇટાલીની સરકારે 2014માં તપાસ કરી તેના અહેવાલમાં ભ્રષ્ટાચાર સાબિત થયા પછી 2015માં સીબીઆઈએ તપાસ શરૂ કરી અને વચેટિયા ક્રિશ્ચિયન જેમ્સ મિશેલ સામે બિનજામીનપાત્ર વૉરંટ નીકળ્યું. આરબ અમિરાતના શાસકોના સહકારથી આ ભાગેડુ પકડાયો છે- હવે કૉંગ્રેસનાં મોટાં માથાં ઉપર `તલવાર' - હેલિકૉપ્ટરો લટકે છે! પરિણામ ગમે તે આવે- હવે નરેન્દ્ર મોદી ભાગેડુઓ સામે ભારે આક્રમક બનશે અને લોકસભાની ચૂંટણી પહેલાં દેશ સમક્ષ `િરપોર્ટ કાર્ડ' રજૂ કરશે, એમ કહી શકાય. અન્ય ઘણા કેસના અહેવાલ રજૂ થશે.  
આ જેમ્સ મિશેલે યુપીએ સરકારને વીવીઆઈપી હેલિકૉપ્ટરો વેચવા માટે ભારત આવન-જાવન પાછળ ઍર ટિકિટોના બાર કરોડ રૂપિયા ચૂકવ્યા હતા તે ઉપરથી વચેટિયાને મળેલી રકમનો અંદાજ આવી શકે છે.
ઉત્તર ભારતનાં ત્રણે રાજ્યો - છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને આ ત્રણેય રાજ્યોમાં લોકસભાની ચૂંટણી - એક વર્ષ પછી - 2014માં થઈ ત્યારે ભાજપે નરેન્દ્ર મોદીના નામે ભારે સપાટો બોલાવીને કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાંખ્યાં હતાં. હવે પુનરાવર્તન થાય તો તે ચમત્કાર નરેન્દ્ર મોદીનાં નામ અને કામનો હશે...
કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી માટે આ ચૂંટણી જંગ રાજકીય જીવન-મરણના જંગ જેવો હતો. સંપૂર્ણ જવાબદારી એમની હતી- હાર - અથવા જીત - એમના નામે રહે અને એમની રાજકીય કારકિર્દી નક્કી કરે. પાંચ રાજ્યોમાંથી મિઝોરમ કરતાં પણ તેલંગણનું મહત્ત્વ છે કારણ કે દક્ષિણ ભારતમાં કર્ણાટક પછી તેલંગણની આશા છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અહીં રાહુલ ગાંધીની વહારે ચડયા કારણ કે એમને ભય છે કે ભાજપ તેલંગણમાં ફાવે તો પછી આંધ્રનો વારો આવશે. ચંદ્રાબાબુ નાયડુનો વ્યૂહ રાહુલ ગાંધીને મદદ કરવાને બદલે કૉંગ્રેસની ``પાળ'' બાંધવાનો છે.
ત્રણેય હિન્દીભાષી રાજ્યોમાં ભાજપે લગભગ જબ્બર બહુમતી મેળવ્યા પછી હવે તેમાં વધારો કરવાનો પ્રશ્ન નથી પણ ખાધ કેટલી પડે છે અને કૉંગ્રેસને કેટલી બેઠકો મળે છે એ જોવાનું છે. સામાન્ય રીતે રાજસ્થાનમાં પાંચ વર્ષે સરકાર બદલાતી હોય છે. ભૈરોસિંહની સરકાર સતત બીજી વખત આવી હતી તેવો લાભ વસુંધરા રાજેને મળશે? જો સાગમટે સત્તા પરિવર્તન થાય તો કૉંગ્રેસના મુખ્ય પ્રધાનપદના બે ઉમેદવારોમાંથી રાહુલ ગાંધી જો યુવા સચીન પાઇલટને પસંદ કરે તો પણ પક્ષમાં ડખો થશે.
છત્તીસગઢમાં ભાજપના રમણ સિંહ છે. કૉંગ્રેસના વોટ પૂર્વ કૉંગ્રેસી મુખ્ય પ્રધાન અજિત જોગી તોડશે, એમની સાથે માયાવતી જોડાયાં છે.
મધ્યપ્રદેશમાં ખરાખરીનો જંગ હતો. બંને પક્ષોએ પૂરી તાકાત લગાડી છે અને દેવ-દેવીઓની પૂજા-અર્ચના કરીને મતદારોને વચનો આપ્યાં છે.
આ ચૂંટણીમાં અનેક મુદ્દા હતા. મુખ્ય તો હિન્દુ ધર્મ માટે હરીફાઈ થઈ અને ભાજપ માટે અયોધ્યાનો મુખ્ય મુદ્દો બન્યો તે પછી વિરોધ પક્ષોએ દેવ-દેવીઓને ભૂલીને `જગતના તાત' કિસાનોને રાજધાનીના રણમેદાનમાં ઉતાર્યા... હવે મતદાર-દેવ કોને ફળે છે તે જોવાનું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer