ગુજરાતીઓ પણ કરે છે ગોવા અને રાજસ્થાનમાં લગ્ન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 7 ડિસે.,
માત્ર ફિલ્મી કલાકારો જ નહિ પરંતુ સુખી સંપન્ન પરિવાર પણ `વાડિંગ ડેસ્ટિનેશન' ઉપર ભાર મૂકવા લાગ્યો છે. જીવનભર યાદ રહી જાય એવા સ્થળે લગ્ન કરવાનો ટ્રેન્ડ હવે ગુજરાતમાં વધ્યો છે. એ ઉપરાંત થીમ આધારિત લગ્નો અને ડ્રેસિસ ભાડે મેળવીને પહેરવાનું ચલણ પણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં પ્રવાસન, કેટરીંગ, મંડપ, સંગીત- કલાકારો એમ એકસાથે અનેક લોકોની રોજગારી વધી રહી છે.
એક અંદાજ મુજબ વર્ષના કમ સે કમ ગુજરાતમાંથી 300 થી વધારે પરિવાર દેશના રમણીય સ્થળોએ પોતાના સંતાનોના લગ્ન ગોઠવે છે અને તેને યાદગાર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે.
આરસી ઇવેન્ટના મલિક રાજીવ છાજડ વર્ષોથી ડેસ્ટિનેશન વાડિંગ માટે વ્યવસ્થા કરી આપે છે. તેમના મુજબ ગુજરાતી પરિવાર રાજસ્થાન અને ગોવામાં લગ્ન વધુ ગોઠવે છે. અમુક ધનિક ગુજરાતી તો વળી વિદેશમાં લગ્ન રાખી અને રિસેપ્શન અમદાવાદ કે રાજકોટ જેવાં શહેરોમાં રાખે છે. વાડિંગ ડેસ્ટિનેશનમાં એક વખત જે પરિવારમાં લગ્ન હોઈ તે મહેમાન સાથે આવી જાય પછી બધું જ અમારી જવાબદારીમાં આવી જાય છે. બધી જ પસંદ પરિવારની, તે જે કહે તે ફૂડ,હોટેલ અને બધી વ્યવસ્થા થઇ જાય છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી વ્રજ ડેકોરેશનના નામે લગ્નના ડ્રેસ ભાડે આપવાનું કામ કરતા હિરેન શાહ જણાવે છે કે એક વખત વરરાજો અમારી પાસે આવે એટલે સાફાથી લઈને મોજડી સુધીની વસ્તુ અમે એક જ પેકેજમાં આપીએ છીએ.આની અંદર સાફો, શેરવાની, માલા, દુપટ્ટો અને મોજડીનો સમાવેશ થઇ જાય છે.
તેમના કહેવા પ્રમાણે હવે ડૉક્ટર, વકીલ અને મધ્યમવર્ગીય પરિવાર પણ ભાડે ડ્રેસ લઇને લગ્ન કરે છે. પહેલા એવું માનવામાં આવતું કે ગરીબ લોકો જ ભાડેથી લગ્નનો ડ્રેસ લે છે પરંતુ હવે એવું નથી.
આ ઉપરાંત આખો પરિવાર અગર કપડામાં 70 થી 80 હજાર ખર્ચે તેના કરતાં 20 હજારમાં તો આખો પરિવાર ભાડે ડ્રેસ લઈને લગ્ન કરી શકે.
ગુજરાતમાં લોકપ્રિય બની રહ્યો છે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ
