પેથાપુરના પ્રિન્ટિંગ બ્લૉક્સને મળ્યો જીઆઈ ટેગ

પેથાપુરના પ્રિન્ટિંગ બ્લૉક્સને મળ્યો જીઆઈ ટેગ
ગુજરાતની અનેક આઈટમો માટે જીઆઈ ટેગ મેળવવાના પ્રયાસો 
ક્રિશ્ના શાહ
ગાંધીનગર, તા. 7 ડિસે.
વિશ્વભરમાં નિકાસ થતાં પેથાપુર પ્રિન્ટિંગ બ્લૉક્સને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) ટેગ મળ્યો છે. વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું  કે આ ઓળખને પગલે કારીગરોનો ઉત્સાહ વધશે અને પરંપરાગત કળાને પ્રોત્સાહન મળશે. પેથાપુર પ્રિન્ટિંગ બ્લૉક્સને લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં પણ સ્થાન મળ્યું છે. દ્વિવેદીએ કહ્યું કે પરંપરાગત કારીગરી માટે વિખ્યાત ગુજરાતને હજુ ઘણા જીઆઈ ટેગ મળવાની સંભાવના છે.
દ્વિવેદીએ ઉમેર્યું કે રાજ્યના વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિભાગ હેઠળના ગુજરાત કાઉન્સિલ અૉન સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી (ગુજકોસ્ટ)એ અમદાવાદની માતાની પછેડી, જેતપુરની કોટન સાડી, સુરતની ઘારી અને માંજો, ખંભાતના હલવાસન અને સુતરફેણી, ઉત્તરસંડાના પાપડ, અંજારનાં છરી-ચપ્પાં, આણંદના ખંભાતી પતંગ, બગસરાની જ્વેલરી અને નાગલી બિસ્કિટ્સ માટે જીઆઈ ટેગ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનૉલૉજી વિભાગના અધિક સચિવ ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું કે પેથાપુરના પ્રિન્ટિંગ બ્લૉક્સ 1850થી અસ્તિત્વમાં હોવાનાં તેમ જ ભારે પ્રશંસાપ્રાપ્ત હોવાના પુરાવા મળ્યા છે. અગાઉ આ પરંપરામાં 300 કારીગરો હતા, પરંતુ હવે માંડ વીસેક  કારીગરો રહ્યા છે. મુખ્યત્વે પ્રજાપતિ અને ગજ્જર પરિવારોએ આ કળાને જીવંત રાખી છે. 
અત્યાર સુધીમાં ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને તેનો લોગો, ખંભાતના ગોમેદ અને તેનો લોગો, કચ્છની એમ્બ્રોઇડરી અને તેનો લોગો, તાંગલિયા શાલ, સુરતનું જરીકામ, કચ્છની શાલ, પાટણનાં પટોળા, જામનગરી બાંધણી અને રાજકોટનાં પટોળાંને હેન્ડિક્રાફ્ટના વર્ગમાં તેમ જ ગીરની કેસર કેરી અને ભાલિયા ઘઉંને કૃષિ વર્ગમાં જીઆઈ ટેગ મળ્યો છે.
ડૉ. સોનીએ ઉમેર્યું હતું કે અગાઉ રાજકોટનાં પટોળાને અૉક્ટોબર, 2018માં જીઆઈ ટેગ મળ્યો હતો. પેથાપુર પ્રિન્ટિંગ બ્લૉક્સને નવેમ્બર, 2018માં જીઆઈ ટેગ મળતાં ગુજરાતને આ 15મો જીઆઈ ટેગ મળ્યો છે.
ગાંધીનગરથી સાત કિલોમીટરના અંતરે આવેલું પેથાપુર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં તેના જટિલ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્રિન્ટિંગ બ્લૉક્સ માટે મશહૂર છે. આશરે 300 વર્ષથી પેથાપુરના રહેવાસીઓ વસ્ત્રો ઉપર પ્રિન્ટિંગ માટે લાકડાંનાં બ્લૉક બનાવવાનો વ્યવસાય કરે છે. આ બ્લોક્સ બનાવવા માટે કારીગરો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક વલસાડમાં ઊગતા સાગના નામના લાકડાંનો ઉપયોગ કરે છે. કારીગરોને એક બ્લૉક ડ્રિલ (શારડી) અને ફરસી વડે બનાવતાં બેથી સાત દિવસ થાય છે. લાકડાંના આ બ્લૉક્સમાં હાથ વડે મનોહર ડિઝાઈન બનાવીને ફરમો તૈયાર થાય છે અને આ બ્લૉક વડે કપડાં ઉપર છાપકામ કરાય છે. વિવિધ પ્રદેશોની અલગ-અલગ માગ મુજબ કારીગરો તમામ પ્રકારના બ્લૉક્સ હાથ વડે બનાવે છે. અમદાવાદ, જેતપુર, રાજકોટ અને મુંબઈ જેવા હાથ છાપકામનાં મુખ્ય મથકોમાં પણ પેથાપુરના પ્રિન્ટિંગ બ્લૉક્સની ભારે માગ રહે છે.
ગુજકોસ્ટના વડા ડૉ. નરોત્તમ સાહુના જણાવ્યા મુજબ જીઆઈ ટેગ, ચોક્કસ ભૌગોલિક ઓળખ અને ગુણવત્તા તેમ જ પ્રતિષ્ઠા ધરાવતાં ઉત્પાદનના ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. જીઆઈ, જે-તે પ્રદેશની બૌદ્ધિક સંપત્તિ ગણાય છે. તેનો ઉપયોગ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાન્ડ પ્રમોશનમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે કરી શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer