નવી દિલ્હી, તા. 7 ડિસે.
યુરોપિયન યુનિયને ભારતને આયાતી સ્ટીલની ગુણવત્તાની ચકાસણીના નિયમો હળવા કરવા જણાવ્યું છે. ઇયુએ કહ્યું છે કે આયાતી સ્ટીલની ગુણવત્તાની બીઆઈએસ (બ્યુરો અૉફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ)ની પ્રયોગશાળામાં ફરજિયાત પુન: ચકાસણી કરાવવાનો નિયમ આયાત સામે બિનજકાતી દીવાલ ઊભી કરવા સમાન છે અને તે રદ થવો જોઇએ.
સ્ટેઇનલેસ સ્ટીલના આયાતી પાટા, પતરાં અને પટ્ટીઓ માટે બીઆઈએસનું ગુણવત્તાનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાના ભારત સરકારના નિર્ણયની ટીકા કરતાં યુનિયને એવી માગણી કરી હતી કે ભારતે પ્રમાણભૂત વિદેશી પ્રયોગશાળાઓ દ્વારા કરાયેલાં પરીક્ષણોને માન્ય રાખવાં જોઇએ.
`જે સ્ટીલની પેદાશોની આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ચકાસણી થઈ ચૂકી હોય તેની બીઆઈએસની પ્રયોગશાળાઓ દ્વારા ફરીથી કસોટી કરાવવાનો નિયમ આયાત સામેની બિનજકાતી દીવાલ સમાન છે.' એમ યુરોપિયન યુનિયને વર્લ્ડ ટ્રેડ અૉર્ગેનાઇઝેશનની કમિટી અૉન ટેક્નિકલ બેરિયર્સ ટૂ ટ્રેડને જણાવ્યું હતું.
ભારતના સ્ટીલ મંત્રાલયે સ્ટીલની બીજી 16 પેદાશોને ગુણવત્તા પરીક્ષણના ન્યાયમાં આવરી લેવાનો નિર્ણય કરતાં યુનિયને તેનો વિરોધ કર્યો છે. સૌ પ્રથમ 2016માં અમલમાં આવેલો આ આદેશ હવે કાર્બન સ્ટીલની 50 અને સ્ટેઇનલેસ સ્ટીલની ત્રણ ચીજોને લાગુ પડે છે.
ભારતે આ અગાઉ એવી દલીલ કરી હતી કે ભારતની ઉત્પાદન પદ્ધતિઓ જોતાં આયાતી સ્ટીલ બીઆઈએસ ધોરણો અનુસારનું હોય તે જરૂરી છે, માત્ર આંતરરાષ્ટ્રીય ધોરણો તેને માટે અપૂરતાં છે.
યુરોપિયન યુનિયન આના જવાબમાં કહે છે કે ભારતે ઠરાવેલી પ્રવિધિ જોખમ રહિત ચીજો માટે વધુપડતી છે. અને આરોગ્ય તેમ જ સલામતીની દૃષ્ટિએ બિનજરૂરી છે.' યુરોપિયન સ્ટીલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણોને અનુસરે છે, એઁટલું જ નહીં વિશ્વભરમાં પ્રચલિત સુરક્ષા અને ગુણવત્તાનાં ધોરણોનું પણ પાલન કરે છે.'
ભારત સ્ટીલ અને સ્ટીલની ચીજોની આયાત તેમ જ નિકાસ બંને કરતું હોવાથી અન્ય સ્ટીલ ઉત્પાદક દેશોની જેમ ભારતમાં પણ સરકાર પર આયાત અંકુશમાં રાખવાનું દબાણ હોય છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્ટીલ ઉદ્યોગમાં માલ ભરાવો અને ઉત્પાદનશક્તિના અપૂરતા વપરાશને લીધે ઘણા ઉત્પાદક દેશો આયાત નિયંત્રિત કરવા માટે જાતજાતના ઉપાયો અજમાવી રહ્યા છે.
યુરોપિયન યુનિયનની સ્ટીલની આયાત સરળ બનાવવાની માગણી
