આવતા મહિનાથી રૂના ભાવ ઊંચકાવાની ધારણા

આવતા મહિનાથી રૂના ભાવ ઊંચકાવાની ધારણા
નબળી આવકોથી કપાસની અછત સર્જાતાં જિનિંગ એકમો મુશ્કેલીમાં 
પુણે, તા. 7 ડિસે.
અત્યાર સુધીમાં બાંગ્લાદેશ, વિયેટનામ અને ઈન્ડોનેશિયા ખાતે 10 લાખ ગાંસડી રૂની નિકાસ થઈ ચૂકી છે અને સમગ્ર સિઝનમાં કુલ નિકાસ 65 લાખ ટન થવાની ધારણા છે. હજી સુધી આવકો ધીમી રહી હોવાથી કોટન કોર્પોરેશન અૉફ ઈન્ડિયાની ખરીદી પણ મંદ રહી છે.
રૂના ભાવ ટેકાના ભાવની આસપાસ ચાલે છે. મધ્યમ તારવાળી જાતોના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 5150 અને લાંબા તારવાળી જાતોના રૂા. 5450 ઠરાવાયા છે, જે ગઈ સિઝન કરતાં રૂા. 1130નો વધારો દર્શાવે છે. 
આંતરરાષ્ટ્રીય બજારમાં ન્યૂ યોર્ક રૂ વાયદો છેલ્લા 15 દિવસમાં 84 સેન્ટથી ઘટીને 79 સેન્ટ થયો છે. સ્થાનિકમાં ખાંડી (356 કિલો) દીઠ ભાવ રૂા. 47,500 થી ઘટીને રૂા. 44,000 સુધી આવ્યા છે. જોકે મહારાષ્ટ્ર તેલંગણા અને મધ્યપ્રદેશમાં નબળી આવકોને લીધે ભાવ ટકી રહ્યા છે.
જિનરોના કહેવા મુજબ આ વખતે અૉક્ટોબરમાં સિઝનની શરૂઆત થઈ ત્યારથી જ સેન્ટિમેન્ટ નબળું છે અને જાન્યુઆરીની મધ્ય સુધી એમ જ ચાલવાની ધારણા છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 65 લાખ ગાસંડીની આવકો થઈ છે, જે ગયે વર્ષે 70 લાખ ગાંસડી હતી. કોટન એડવાઈઝરી બોર્ડ (સીએબી)એ આ વર્ષના પાકનો અંદાજ ગયા વર્ષથી 2.4 ટકા ઓછો, 361 લાખ ગાંસડીનો મૂક્યો છે, પરંતુ ઉદ્યોગના અન્ય ખેલાડીઓના મતે વાસ્તવિક પાક તેનાથી પણ ઘણો ઓછો હશે અને ડિસેમ્બરના અંત સુધીમાં પ્રથમ તબક્કાના માલોની આવકો પૂરી થઈ જાય તે પછી ભાવો વધવા શરૂ થશે. મિલો પણ થોડા સમયમાં જ પુરવઠાખેંચ સર્જાવાના ભયે રૂનો સંગ્રહ કરી રહી છે.
કપાસની આવકો ઓછી રહેવાથી મહારાષ્ટ્રમાં ખાનદેશની 70 ટકા જિનિંગ એકમો કામકાજ શરૂ કરી શક્યા નથી.
ખાનદેશ જિન-પ્રેસ ઓનર્સ એસોસિયેશનના સ્થાપક પ્રમુખ પ્રદીપ જૈનના મતે જિનિંગ એકમો નબળી આવકોને કારણે કપાસની અછતનો સામનો કરી રહ્યા છે. તેમની ચાર લાખ ગાંસડીની રોજિંદી જરૂરિયાત સામે આવકો માંડ બે લાખ ગાંસડીની છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તેલંગણામાં પ્રથમ તબક્કો પૂરો થવામાં છે. કપાસના અને રૂના ભાવ વચ્ચે તાલમેલ ન હોવાથી જિનરો મુશ્કેલીમાં છે. તે ઉપરાંત પેમેન્ટના અને આવતા મહિનાથી રૂની ગુણવત્તાના પણ પ્રશ્નો છે. ખાન દેશમાં આશરે 150 જિનિંગ એકમો છે. ડિસેમ્બર પછી આવકો ધીમી પડે ત્યારે ભાવ ઊંચકાવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer