ઇરાક ભારતીય ચાની આયાત ફરી શરૂ કરવા આતુર

ઇરાક ભારતીય ચાની આયાત ફરી શરૂ કરવા આતુર
કોલકાતા, તા. 7 ડિસે.
ઇરાક ભારતમાંથી ચાની આયાત ફરી શરૂ કરવા આતુર છે. આઠ વર્ષ પહેલાં ઇરાકમાં પ્રવર્તતી અશાંત પરિસ્થિતિને કારણે ભારતની ચાની નિકાસ બંધ થઈ ગઈ હતી.
ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ અૉફ ઇન્ડિયાના એક પ્રતિનિધિમંડળને ઇરાકની તાજેતરની મુલાકાત દરમિયાન આ વાત જાણવા મળી હતી. `અમે ચાર શહેરોની મુલાકાત લીધી હતી. બગદાદ, કરબલા, નજફ અને અરેબિલ. આ બધાં શહેરોમાં ગ્રાહક-વિક્રેતા મુલાકાતો યોજાઇ હતી અને તેમાં અમને જાણવા મળ્યું કે આયાતકારો ભારતીય ચા વિશે જાણવા ઉત્સુક હતા, `એમ ઇન્ડિયન ટી ઍસોસિયેશનના મંત્રી અને પ્રતિનિધિમંડળના સભ્ય સુજિત પાત્રાએ જણાવ્યું હતું.
ઇરાકમાં ચાની ખરીદીની વ્યવસ્થા બદલાઈ ગઈ છે, એમ તેમણે કહ્યું હતું. અગાઉ ત્યાં ચાની ખરીદી ઇરાકની સરકાર કરતી હતી, જ્યારે હવે ખાનગી કંપનીઓ સંકળાયેલી છે.
ભારતે ઇરાકને ચા મોકલવાનું બંધ કર્યું તે પછી તેનું સ્થાન શ્રીલંકા અને વિયેટનામે લીધું હતું. ઇરાન વર્ષે 40,000 ટન ચાની આયાત કરે છે, જેમાં 80 ટકા હિસ્સો શ્રીલંકાનો છે.
તેથી ભારતે ઇરાકમાં ફરી પ્રવેશવું હોય તો શ્રીલંકા સાથે હરીફાઈ કરવી પડશે. શ્રીલંકા ઇરાકને અૉર્થોડોક્સ ચા કિલોના બે ડૉલરના ભાવે વેચે છે. જો કે પાત્રાના કહેવા મુજબ ત્યાંના આયાતકારો ભારતીય ચા માટે-વધુ ઉંચા ભાવ ચૂકવવા તૈયાર છે.
ભારતની અૉર્થોડોક્સ ચા ઇરાન, સાઉદી અરેબિયા, જર્મની, અમેરિકા અને જપાન સહિત અનેક દેશોમાં નિકાસ થાય છે. અૉર્થોડોક્સ ચામાં વળતર વધુ હોવાથી ભારતીય ચા ઉદ્યોગ તેની નિકાસ વધારવા તત્પર છે. ભારત દર વર્ષે 110,000થી 120,000 ટન અૉર્થોડોક્સ ચાનું ઉત્પાદન કરે છે. અને જરૂર પડયે તે વધુ ઉત્પાદન કરી શકે તેમ છે.
આ વર્ષે અમેરિકી પ્રતિબંધોને પગલે ઇરાન વિશેની અનિશ્ચિતતાને કારણે ચાની નિકાસ લગભગ સપાટ રહી છે. અૉર્થોડોક્સ ચાની નિકાસ ઘટી છે. અને ઇરાન-ખાતેની નિકાસ ઘટી જવાથી તેના ભાવ ગત વર્ષના કિલો દીઠ રૂા. 221.29થી ઘટીને આ વર્ષે રૂા. 210.87 રહ્યા છે. 2018ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ભારતે કુલ 1.74 લાખ ટન ચાની નિકાસ કરી છે, જે ગયા વર્ષ કરતાં સહેજ વધારે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer