ક્વોરન્ટાઈન સંબંધી નિયમો લાલ મરચાંની નિકાસ માટે પ્રતિકૂળ

ક્વોરન્ટાઈન સંબંધી નિયમો લાલ મરચાંની નિકાસ માટે પ્રતિકૂળ
કોચી, તા. 7 ડિસે.
જો લાલ મરચાંનાં તમામ શિપમેન્ટને ક્વોરન્ટાઈન સર્ટિફિકેશન સંબંધી નિયમો લાગુ પાડવામાં આવશે તો તેની નિકાસ પર માઠી અસર થશે એમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાં આ સર્ટિફિકેશન સંબંધી નિયમો માત્ર મેક્સિકો ખાતે કરાતી નિકાસને લાગુ પડે છે કેમ કે ત્યાં આપણાં લાલ મરચાંમાં એકાદ વર્ષ પહેલા જીવડાં હોવાનું જણાયું હતું.
પરંતુ હવે આ નિયમ 31 ડિસેમ્બર બાદ બધા દેશો ખાતે થતી નિકાસને લાગુ પાડવાનો પ્રસ્તાવ હોવાનું સ્પાઈસિસ બોર્ડનું કહેવું છે.
ભારતમાંથી સૌથી વધુ નિકાસ થતા તેજાનો મરચાં છે; ગયે વર્ષે ભારતે રૂા. 4256 કરોડના મરચાંની નિકાસ કરી હતી.
``જો મરચાંની તમામ નિકાસ માટે સર્ટિફિકેશન ફરજિયાત બનાવાય તો બહુ મોટી સમસ્યા સર્જાશે. સરકારે એને મેક્સિકો પૂરતું જ સીમિત રાખવું જોઈએ,'' એમ એક નિકાસકાર શૈલેશ શાહે જણાવ્યું હતું. જો આ દરખાસ્તનો અમલ થશે તો નિકાસકારે પ્રત્યેક શિપમેન્ટ માટે એવું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે કે આ મરચું ડિરેક્ટરેટ અૉફ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઈન એન સ્ટોરેજ પાસે નોંધાયેલા ગોદામમાંથી આવેલું છે. આમ કરવા જતાં ઘણો વિલંબ થશે અને એની જરૂર નથી કારણ કે મરચાંના દરેક કન્સાઈમેન્ટ સાથે તેમાં એફલોયેકિસન અથવા સુદાન રેડ જેવાં રસાયણો દ્રવ્યો નથી એવી મતલબનું સ્પાઈસિસ બોર્ડનું સર્ટિફિકેટ હોય જ છે,'' એમ ઓલ ઈન્ડિયા સ્પાઈસિસ એક્સ્પોર્ટર્સ ફોરમના પ્રમુખ પ્રકાશ નામ્બુદીરીએ જણાવ્યું હતું.''
અત્યારે વિયેટનામ ભારતીય મરચાંનું સૌથી મોટું ગ્રાહક છે. ત્યાર બાદ થાઈલૅન્ડ, અમેરિકા, શ્રીલંકા અને મલયેશિયાનો ક્રમ આવે છે. મેક્સિકો બહુ મોટો ગ્રાહક નથી. ``મેક્સિકો ચીન પાસેથી મરચું ખરીદતું હતું પણ ચીની મરચું મોંઘું થયું ત્યારથી તેણે ભારત પાસેથી ખરીદવાનું શરૂ કર્યું,'' એમ નામ્બુદીરીએ કહ્યું હતું.
તાજેતરમાં ચીન ભારતીય મરચાંના એક મોટા ગ્રાહક તરીકે ઉભર્યું છે, ખાસ કરીને ખૂબ તીખાં મરચાંનું. ચીનમાં પાકતાં મરચાં મોટા ભાગે બહુ તીખાં નથી હોતાં. છેલ્લાં બે વર્ષમાં ચીન ખાતે તીખાં મરચાંની નિકાસ ચારગણી વધીને 9000 ટનને વટાવી ગઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer