નિકાસકારોને રૂા. 60 અબજની ઇનપુટ ટૅક્સ ક્રેડિટના રિફંડની પ્રતિક્ષા

નિકાસકારોને રૂા. 60 અબજની ઇનપુટ ટૅક્સ ક્રેડિટના રિફંડની પ્રતિક્ષા
એજન્સીસ
નવી દિલ્હી, તા. 7 ડિસે.
દેશભરના નિકાસકારોને હજી રૂા. 60 અબજના ઇનપુટ ટૅક્સ ક્રેડિટ રિફંડ મળ્યા નથી. ટેક્નિકલ સમસ્યાઓના કારણે અને વેરા વિભાગ અનિચ્છાના કારણે આ વિલંબ થયો છે. ફેડરેશન અૉફ ઇન્ડિયન, એક્સપોર્ટ્સ અૉર્ગેનાઇઝેશન (ફીઓ) એ જણાવ્યું છે કે ફાઇલિંગ પ્રોસેસની મુશ્કેલીઓ યથાવત છે. આથી નાના અને મધ્યમ નિકાસકારોને વેરા રિફંડ મળી શક્યું નથી.
ઇન્ટીગ્રેટેડ ગુડ્સ અને સર્વિસિસ ટૅક્સ (આઈજીએસટી) હેઠળ રિફંડનો મોટો હિસ્સો વણચુકાયેલી ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો છે. લગભગ 40 ટકા નિકાસકારોએ રિફન્ડ માટે તેમની અરજીમાં સુપરત કરી નથી, દેશભરમાં આવા કુલ 1,16,000 નિકાસકારો છે, એમ ફીઓના ડિરેક્ટર-જનરલ અજય સહાયએ જણાવ્યું હતું.
રાજ્યોને લેવીનો તેમનો હિસ્સો મળ્યો નહીં હોવાથી પણ આ મુશ્કેલી થઈ છે. આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, વિહાર, છત્તીસગઢ જેવાં રાજ્યો પાસે નિકાસકારોને ચૂકવવા ફંડ નથી.
પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશનો દેખાવ સૌથી નબળો રહ્યો છે. અરજીઓ સ્વીકારવાનો દર મહારાષ્ટ્રમાં માંડ 5 ટકા અને દિલ્હીમાં 10 ટકા છે. આથી દસ્તાવેજોની ફીઝીકલ વેરીફિકેશનની જરૂરિયાત સરકારે નાબૂદ કરવી જોઇએ, કારણ કે તેથી ટ્રાન્ઝેક્શન સમય વધુ લાગે છે અને નિકાસકારોનો ખર્ચ વધે છે, એમ ફીઓએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer