નવી કૃષિ નિકાસ નીતિને કેબિનેટની મંજૂરીના પગલે

નવી કૃષિ નિકાસ નીતિને કેબિનેટની મંજૂરીના પગલે
ઓર્ગેનિક, પ્રોસેસ્ડ કૃષિ ઉત્પાદનો નિકાસનાં તમામ નિયંત્રણોથી મુક્ત બનશે
નવી દિલ્હી, તા. 7 ડિસે.
નવી કૃષિ નિકાસ નીતિનું ધ્યેય વર્ષ 2022 સુધીમાં કૃષિ નિકાસ બમણી કરવાનું છે. આ લક્ષ્યાંક માળખાકીય સવલતો વધારીને અને વિવિધ જણસોની નિકાસ આડેના અવરોધો દૂર કરીને હાંસલ કરાશે.
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે સરકારે મોટા ભાગનાં ઓર્ગેનિક અને પ્રોસેસ્ડ એગ્રિકલ્ચરલ પ્રોડક્ટ્સ ઉપરનાં નિકાસ નિયંત્રણો દૂર કરવાનો, ખાદ્ય સુરક્ષા હેઠળની જણસોને બાદ કરતાં કાંદા જેવી અન્ય જણસો ઉપરનાં નિકાસ અંકુશો દૂર કર્યાં છે. આને પગલે ઓર્ગેનિક કે પ્રોસેસ્ડ કૃષિ ઉત્પાદનો નિકાસ જકાત, નિકાસ નિયંત્રણ કે જથ્થા ઉપર અંકુશ જેવા કોઈ પણ પ્રકારનાં નિયંત્રણ હેઠળ નહીં રહે.
પ્રભુએ ઉમેર્યું કે પહેલી જ વાર દેશમાં આ પ્રકારની નીતિ અમલી બની રહી છે. ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાના સરકારના વચનની પૂર્તિ માટે આ નવી નીતિ મદદગાર બનશે. નિકાસને પ્રોત્સાહન આપવા વધુ સારું બ્રાન્ડિંગ હાથ ધરાશે.
આ વર્ષે કૃષિ સંબંધિત નિકાસ આશરે 37 અબજ ડૉલર નોંધાવાનું અનુમાન છે, જે પાછલા વર્ષે સાત અબજ ડૉલર હતી. પ્રભુએ જણાવ્યું કે આ વર્ષે નિકાસમાં 20 ટકા વૃદ્ધિને ધ્યાન ઉપર લેતાં વર્ષ 2022 સુધીમાં નિકાસ 60 અબજ ડૉલર અને તે પછીનાં કેટલાંક વર્ષમાં સ્થિર વેપાર નીતિને આધારે કૃષિ નિકાસ 100 અબજ ડૉલર નોંધાશે. પ્રધાનમંડળે કૃષિ નિકાસ નીતિના અમલીકરણ માટે દેખરેખ માટે સમિતિ સ્થાપવાની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. સૂચિત સમિતિમાં વાણિજ્ય મંત્રાલય નોડલ ડિપાર્ટમેન્ટ રહેશે, જેમાં સંબંધિત વિવિધ મંત્રાલયો, વિભાગો, એજન્સીઓ તેમ જ રાજ્ય સરકારોનું પ્રતિનિધિત્વ રહેશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નવી નીતિના અમલમાં કુલ રૂા. 1,400 કરોડ ખર્ચ થશે. આ ભંડોળ વિવિધ યોજનાઓ હેઠળ ઉપલબ્ધ છે. ઉપરાંત, નીતિનો રાજ્ય સરકારો દ્વારા વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે ઘનિષ્ઠ રીતે જોડાઈને કાર્યરત બનશે.
નવી કૃષિ નિકાસ નીતિ હેઠળ દેશમાંથી થતી નિકાસોમાં વિવિધતા લાવવા તેમ જ વિવિધ પ્રદેશોને સામેલ કરવાને મહત્ત્વ અપાશે. હાલમાં ચોખા, માંસ અને મરીન પ્રોડક્ટ્સ દેશની કૃષિ નિકાસમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer