મંદી છતાં નવા વર્ષથી વાહનો મોંઘાં થશે

મંદી છતાં નવા વર્ષથી વાહનો મોંઘાં થશે
નવી દિલ્હી, તા. 7 ડિસે.
નવા વર્ષની શરૂઆતથી કંપનીઓ કારના ભાવ વધારવાનું વિચારી રહી છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રએ તેમની એમપીવી મરાઝોના ભાવમાં રૂા. 40,000 સુધીનો વધારો 45 દિવસ પછી કરવાની જાહેરાત કરી છે. લક્ઝરી કાર કંપની બીએમડબ્લ્યૂએ પણ જાહેરાત કરી છે કે તેઓ જાન્યુઆરીથી કારના ભાવમાં 4 ટકાનો વધારો કરશે. 
કંપનીઓ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ભાવ વધારો કરતા હોય છે. આ પહેલા ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ભાવ વધારાની જાહેરાત થતી હતી. પરંતુ આ વર્ષે ડિલર્સ પાસે કારનો વધુ સ્ટોક હોવાથી ભાવ વધારની જાહેરાત વહેલી કરવામાં આવી છે, તહેવારની સિઝન મંદ પસાર થઈ હોવાથી ભાવ વધે તે પહેલા ડિલર્સના સ્ટોક ખાલી થાય. ટોયોટા પણ તેમના મોડેલોના ભાવમાં ચાર ટકાનો વધારો કરવાની છે. ટોયોટા કિર્લોસરકર મોટરના ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર એન રાજાએ કહ્યું કે, ગ્રાહકોને જાન્યુઆરી પહેલા ઓછા ભાવે પોતાને ગમતી કાર ખરીદવાનો અવસર છે. અત્યારની નાણાકીય પરિસ્થિતિને જોતા ખર્ચમાં વધારો હવે કોઈને પરવડે નહીં. ભાવ વધારાની અસરથી માગમાં બેથી ત્રણ ટકાની વિપરીત અસર થઈ શકે છે.  ડૉલર સામે રૂપિયો મજબૂત બનતા કાર ઉત્પાદકોના નફાગાળા ઉપર પ્રતિકૂળ અસર પડી છે, કારના અમૂક પાર્ટ્સ તેઓ આયાત કરે છે. અમેરિકાની કાર બનાવતી કંપની ફોર્ડ પણ ભાવમાં વધારો કરવાની છે. 
દેશના ઓટો મોબાઈલ ક્ષેત્રમાં બે તૃતિયાંશ બજાર હિસ્સો ધરાવતી મારુતિ સુઝુકી ઇન્ડિયા અને હ્યુન્ડાઈએ હજી ભાવ વધારા સંબંધિત નિર્ણય લીધો નથી. મોટા ભાગના વાહનોમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, મોટા ભાગના કેસમાં વેટિંગ પિરિયડ નથી તેમ જ ડિલરો પાસે કારનો સ્ટોક પણ વધુ છે, ત્યારે કંપનીઓ ભાવ વધારાની યોજના કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer