અનેક રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિના કારણે

અનેક રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિના કારણે
ખાતર, જંતુઘ્ન ઔષધો બનાવતી કંપનીઓની કામગીરીને અસર થશે  
નવી દિલ્હી, તા. 7 ડિસે.
અનેક રાજ્યોમાં દુષ્કાળના જેવી સ્થિતિ નિર્માણ થઇ હોવાથી ખાતર અને જંતુઘ્ન ઔષધો બનાવતી કંપનીઓના સંયોગોને આ વર્ષે માઠી અસર પડે તેવી શક્યતા છે.
વેધશાળાના અહેવાલ અનુસાર નૈઋઍત્યના વરસાદની ખાધ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 34 ટકા છે. ઉત્તર કર્ણાટકમાં 29 ટકા, મહારાષ્ટ્રના મરાઠવાડામાં 22 ટકા અને બિહાર, ઝારખંડ તથા ઉત્તર-પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યોમાં વરસાદની ખાધ 20 ટકા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકે તેના કેટલાક વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે અને સરકાર પાસે નાણાકીય સહાય માગી છે. ચોમાસાની મોસમના અંતે દેશભરમાં કુલ વરસાદની ખાધ ચોમાસાની મોસમના અંતે નોંધપાત્ર હતી. લાંબા ગાળાની સરેરાશના 89 સે.મી.નો 91 ટકા વરસાદ પડયો હતો. બીજા શબ્દોમાં નૈઋઍત્યના ચોમાસાની ખાધ 9 ટકા રહી હતી.
એક ખાતર કંપનીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દુષ્કાળની સ્થિતિના કારણે ખાતર અને પાકનું રક્ષણ કરતા જંતુઘ્ન ઔષધોના વેચાણને અસર પડે તેવી સંભાવના છે.
એક કંપની બાયર ક્રોપ સાયન્સને આ દુષ્કાળની સ્થિતિની અસર જણાવા લાગી છે. કંપનીએ તેના બીજા ત્રિમાસિકના નફામાં 25 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદે ઊભા મોલને નુકસાન થયું હતું, એમ બાયરના મૅનેજિંગ ડિરેક્ટર રિચાર્ડ વેન ડેર મેરવેએ કહ્યું હતું.
ધનુકા એગ્રિટેકના મૅનેજિંગ ડિરેક્ટર એમ. કે. ધનુકાએ કહ્યું કે કેટલાંક રાજ્યોની જમીનમાં ઓછો ભેજ હોવાના આવી રહેલા અહેવાલો ચિંતાપ્રેરક છે. આમ છતાં ધનુકા એગ્રિટેક એવા વિસ્તારોમાં વેચાણ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં દુષ્કાળની ચિંતા તથા કંપની આ રીતે તેની નુકસાની સરભર કરશે.
ઇન્સેક્ટિસાઈડ (ઇન્ડિયા)એ આ વર્ષના બીજા ત્રિમાસિકમાં વેચાણમાં 19 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, તોપણ દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો પડવાને કારણે તેના આખા વર્ષના વેચાણ અને નફામાં થોડી અસર પડવાની સંભાવના તે જુએ છે. મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ અગરવાલે કહ્યું કે દુષ્કાળની સ્થિતિના કારણે તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રને અસર થઈ છે. તેમણે કહ્યું કે ખરીફ મોસમ દરમિયાન કંપનીને મહત્તમ વેચાણ મળે છે. વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં કંપનીને 60-65 ટકા ધંધો મળે છે. આ સમયગાળામાં ડાંગર અને કપાસના પાકમાં વાપરવા માટે જંતુઘ્ન ઔષધોનો વધુ વપરાશ થાય છે.
પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં વરસાદ અનિયમિત પડવાથી એ ભાગોમાં દુષ્કાળની સ્થિતિ નિર્માણ થઈ છે એમ તેમણે કહ્યું હતું.
યુરિયા સિવાયના ખાતરના ભાવ વધવાની શું અસર થશે તે હજી સ્પષ્ટ નથી ત્યારે મોટા ભાગના પોટાશ અને ફોસ્ફેટિક ખાતરના ભાવમાં 25થી 30 ટકાનો ભાવવધારો 1 અૉક્ટોબરથી થયો છે. ઝુઆરી ગ્લોબલના મૅનેજિંગ ડિરેક્ટર સુરેશ કૃષ્ણને કહ્યું કે આ ભાવવધારો વપરાશકાર ખેડૂતો ઉપર પસાર કર્યા વિના અમારે છૂટકો નથી.
આ ભાવ તાજેતરમાં જ વધારવામાં આવ્યા છે. અનેક ખાતર કંપનીઓ હજી જૂના ભાવે ખાતર વેચી રહી છે. એક-બે મહિના પછી ભાવવધારાની અસર જોવા મળશે.
જોકે ઝુઆરીને જ્યાં નોંધપાત્ર વેચાણ મળે છે તે મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારોમાં વરસાદ ઓછો હોવા છતાં સરોવરોમાં જળસપાટી સારી છે અને સિંચાઈ વ્યવસ્થા સારી હોવાથી સ્થિતિ થોડી હળવી બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer