અમદાવાદ મેટ્રો માટે દક્ષિણ કોરિયાથી કોચ રવાના થયા

અમદાવાદ મેટ્રો માટે દક્ષિણ કોરિયાથી કોચ રવાના થયા
15 જાન્યુઆરીએ ટ્રાયલ રનની શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 7  ડિસે.
અમદાવાદ શહેર ઘણા વર્ષોથી મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યું હતું પરંતુ હવે ઇંતેજારીનો અંત આવે તેમ લાગે છે. મેટ્રો માટે કોચ  દક્ષિણ કોરિયાથી રવાના થઇ ગયા  છે. ટૂંકમાં અમદાવાદ આવી જશે. 
મેગા એટલે કે `મેટ્રો લિંક એક્પ્રેસ ફોર ગાંધીનગર ઍન્ડ અમદાવાદ'ના એમડી આઈપી ગૌતમ જણાવે છે કે `દક્ષિણ કોરિયાના બંદરેથી ટ્રેનના ત્રણ કોચ રવાના થઇ ગયા છે અને 31 ડિસેમ્બર પહેલા કંડલા પોર્ટ ઉપર આવી જશે. કંપનીનું આયોજન છે કે 15મી જાન્યુઆરી સુધીમાં તેમનો ટ્રાયલ રન પણ કરી દેવો.' 
અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ઘણો વિલંબ થયો છે. ભ્રષ્ટાચારના આરોપમાં આ પ્રોજેક્ટમાં અમુક અધિકારીઓની ધરપકડ પણ થઇ છે. જોકે, હવે આ પ્રોજેક્ટનું કામ તો ઘણું ખરું થઇ ગયું છે અને હવે વિલંબ હતો માત્ર કોચનો.  પ્રથમ ચરણમાં કુલ 39 કિલોમીટરમાં આખા અમદાવાદને આવરી લેવામાં આવશે અને બીજા ચરણમાં આ મેટ્રો ટ્રેન ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. હાલ અમદાવાદમાં ઠેકઠેકાણે મેટ્રોનું કામ ચાલુ છે. મોટા પિલ્લર થઇ ગયા પછી તેના સ્ટેશન પણ મોટાભાગે બની રહ્યા છે.  વાઇબ્રન્ટ સમિટની આસપાસ આનો ટ્રાયલ શરૂ કરીને બાકીનો તબક્કો પૂરો કરવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર કામે લાગી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer