ઓપેક મંત્રણા પડી ભાંગી

ઓપેક મંત્રણા પડી ભાંગી
ક્રૂડતેલ ઉત્પાદનમાં મોટો કાપ મૂકવા રશિયાના ઇનકારના પગલે
એજન્સીસ
વિયેના, તા. 7 ડિસે.
ક્રૂડતેલના ઉત્પાદનમાં મોટો કાપ મૂકવાની સાઉદી અરેબિયાની માગણીનો રશિયાએ અસ્વીકાર કરતાં ઓપેકની શિખર મંત્રણામાં કોઈ નિર્ણય લઈ શકાયો નહોતો. સાઉદીના ઊર્જાપ્રધાને કહ્યું હતું કે સમજૂતી થવા અંગે તેમને આશંકા હતી.
હવે ઓપેક અને તેના સાથી દેશો દૈનિક 10 લાખ બેરલ જેટલું ઉત્પાદન ઘટાડે તેના પર ચર્ચા કેન્દ્રિત થઈ છે. ઓપેક અત્યારે 6,50,000 બેરલ્સનું ઉત્પાદન કરે છે.
ઉત્પાદનમાં સમાન કાપ મૂકવા દરેક સભ્ય તૈયાર નથી. નોંધપાત્ર ઉત્પાદનકાપ માટે રશિયા પણ તૈયાર નહીં હોવાથી ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહેશે અને તેનો લાભ સૌથી મોટા બીજા ક્રમના આયાતકાર તરીકે ભારતને થશે.
તેલના ઉત્પાદનમાં ઇરાનનો હિસ્સો પણ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. પર્શીયન ગલ્ફ રાષ્ટ્ર પર હાલ યુએસ પ્રતિબંધ લદાયેલા છે. આમ છતાં ઇરાન તેના ઉત્પાદન પર નિયંત્રણ મૂકવા તૈયાર નથી.
આમ સમજૂતી નિષ્ફળ જતાં વૈશ્વિક તેલ નક્શાના પુન : ચિત્રીકરણમાં ધી અૉર્ગેનાઇઝેશન અૉફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) દબાણ હેઠળ છે. હવે બિન સભ્યરાષ્ટ્ર રશિયાના ટેકા પર સૌનો મદાર વધતો જાય છે. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેનો વિરોધ કરી રહ્યા છે. યુએસએ સ્પષ્ટ કર્યું છે કે શેલ દ્વારા વિક્રમી ઉત્પાદનના કારણે 75 વર્ષમાં ગયા સપ્તાહે પ્રથમવાર યુએસ નેટ નિકાસકાર દેશ બની ગયા છે.
બજારે ઓપેકની પીછેહઠના નકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. લંડનમાં ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 2.4 ટકા ઘટયો હતો. શુક્રવારે ભાવ બેરલ દીઠ 60 ડૉલરથી નીચે બોલાયો હતો.
નવી સમજૂતીના ભાગરૂપે રશિયાએ પ્રારંભમાં તેના ઉત્પાદનમાં દૈનિક 1થી 1.50 લાખ બેરલ જેટલો કાપ મૂકવાની તૈયારી દર્શાવી હતી પણ હવે ઓપેકના પોતાના ઉત્પાદનમાં કેટલો કાપ મૂકે છે તેના આધારે રશિયા ઉત્પાદનમાં કાપ મૂકવા તૈયાર થશે એમ મનાય છે. મોસ્કોનો આગ્રહ છે કે તેનો ઉત્પાદન કાપ ધીમો અને તબક્કાવાર હશે અને માર્કેટ ફંટાવવાની શક્યતા હોવાથી પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ મોસ્કો ફેરવિચારણા કરશે.
રશિયા ઉત્પાદનમાં નોંધપાત્ર કાપ મૂકવા તૈયાર થયું તો ઓપેક તેને અનુસરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer