પાવરલૂમ્સ ઉદ્યોગને ઉગારવા ટફનો લાભ આપવા વીવર્સની માગ

કેન્દ્ર સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન આંતરરાષ્ટ્રીય ભાવે મળે એવી વ્યવસ્થા કરે
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 8 જાન્યુ.
પાવરલૂમ્સ ઉદ્યોગની કથળતી જતી સ્થિતિને લઈને કાપડઉદ્યોગના ટોચના સંગઠન ફેડરેશન અૉફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વાવિંગ ઇન્ડસ્ટ્રીની 41મી વાર્ષિક સાધારણ સભામાં દેશભરમાંથી ઉપસ્થિત વણાટ ઉદ્યોગકારોએ ચિંતા વ્યક્ત કરી હતી. ટેક્નૉલૉજી અપગ્રેડેશન ફન્ડ (ટફ) યોજનામાં 1500થી વધુ અરજીઓ સરકારે દફતરે કરી છે. એવામાં જો પાવરલૂમ્સ ઉદ્યોગને ટફ યોજનાનો લાભ નહીં મળે તો ભવિષ્ય ધૂંધળું છે. આયાતી કાપડ પર ઍન્ટિ ડમ્પિંગ ડયુટી વધારવાની માગ ઉદ્યોગકારોએ કરી છે. 
ફીઆસ્વીના ચૅરમૅન ભરતભાઈ ગાંધીએ કહ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં વણાટઉદ્યોગ ખૂબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશની આર્થિક સ્થિતિનો માર વણાટઉદ્યોગ પર પડયો છે. એમાં પણ ખાસ કરીને નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ પાવરલૂમ્સ ભંગારમાં વેચાઈ રહ્યાં છે જે ઘણી જ ગંભીર બાબત છે. આ સ્થિતિ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી. 
મહારાષ્ટ્રના માલેગાંવ અને ભિવંડી સહિતનાં સ્થળોએ એકમોને ઘણું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વણાટ એકમોના જીએસટીના ઇનપુટ ટૅક્સ ક્રેડિટ રિફન્ડ શરૂઆતથી બાકી છે એને સરકારે રદ કર્યું છે. અત્યાર સુધી ફીઆસ્વીના નેજા હેઠળ કેન્દ્રમાં આ મામલે અનેક વખત બેઠકો યોજીને તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ  સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. માલેગાંવ અને સુરતના વણકર ઍસોસિયેશનોએ ભેગાં થઈને મુંબઈ અને ગુજરાત હાઈ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. એમાં કામચલાઉ માટે ઇનપુટ ક્રેડિટ રિફન્ડમાં વાંધો દર્શાવી આ રિટ પિટિશનનો નિકાલ ન થાય ત્યાં સુધી રિફન્ડ લેવાની પ્રક્રિયા શરૂ કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે પીટીએ-એમઈજી ભાવો ચીન કરતાં ભારતમાં વધારે છે. ઘરઆંગણાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન આંતરરાષ્ટ્રીય ભાવ પર યાર્ન મળી શકે એ પ્રકારની ગોઠવણ કરવી જોઈએ. વણાટઉદ્યોગની ઉત્પાદનશક્તિ વધી શકે એ માટે સરકાર તરફથી ઝડપથી પગલાં લેવાં જોઈએ. 
નોંધવું ઘટે કે ટફ યોજનામાં અત્યાર સુધી 1500 અરજી દફતરે કરવામાં આવી છે અથવા તો રદ કરવામાં આવી છે. એક અભ્યાસ મુજબ યોજના હેઠળની આજ સુધી 300 કરોડ રૂપિયાની સબસિડી પાવરલૂમ્સ અકમોને મળી નથી. વણાટઉદ્યોગનાં નાણાં ફસાયાં છે. સરકાર તાત્કાલિક ધોરણે આ મામલે નિરાકરણ લાવે એવી માગ છે. 
પાવરલૂમ્સ ઉદ્યોગની કથળતી જતી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. એવામાં ઉદ્યોગ સાહસિકોએ ખરીદનારની પસંદગી તેમ જ ખરીદનારની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરવાની જરૂરિયાત છે. ખાસ કરીને સ્પોર્ટ્સ ગાર્મેન્ટ, યોગા અને કસરત સમયે ઉપયોગમાં લેવાતાં વત્રોની માગ વધારે હોવાથી એનું ઉત્પાદન વધારવું જોઈએ. વિદેશમાં કાપડઉદ્યોગમાં સિન્થેટિક અને કૉટનના વપરાશનો સરેરાશ દર 60:40નો છે. જ્યારે ભારતમાં આ રેશિયો એનાથી વિપરીત છે. ચીનમાં કૉટનનું ઉત્પાદન ઓછું થાય એવા પ્રયાસો આદરવામાં આવ્યા છે. કૉટનના ઉત્પાદનમાં વિસ્કોસ અને સિન્થેટિક ફાઇબરના ઉત્પાદનમાં વપરાતા પાણીનો મોટો તફાવત છે.  કાપડઉદ્યોગને ભારતના પાડોશી દેશો સાથે સીધી સ્પર્ધા છે. ચીનની મશીનરીનું ભારતમાં ડમ્પિંગ થયુ એનાં કરતાં વધુ ગતિથી પાછલા દોઢ વર્ષમાં ચીન એની જાયન્ટ અત્યાધુનિક મશીનરી વિયેટનામમાં ઠાલવી રહ્યું છે. ચીનમાં મજૂરી અને વીજળીના દર મોંઘા થયા હોવાથી વિયેટનામના દરવાજેથી દુનિયાભરમાં પોતાનું ઉત્પાદન ઠાલવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer