નાફેડે પાંચ લાખ ટન કઠોળ ડિસ્કાઉન્ટ ભાવે 10 રાજ્યોને વેચ્યું

આ નવી યોજનાને પગલે મંડી ભાવ ટકાવી શકાશે અને ગોદામોમાં પડી રહેલો જંગી ખડકલો ઘટાડી શકાશે
 
નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
કેન્દ્ર સરકારની યોજના હેઠળ નેશનલ એગ્રિકલ્ચરલ કૉઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અૉફ ઇન્ડિયા (નાફેડ)એ  પાંચ લાખ ટનથી વધુ કઠોળ 10 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશને ડિસ્કાઉન્ટ ભાવે વેચ્યાં હોવાનું નાફેડના મૅનેજિંગ ડિરેક્ટર સંજીવ કુમાર ચઢ્ઢાએ જણાવ્યું હતું.
ગયા વર્ષે અૉક્ટોબરમાં કેન્દ્ર સરકાર દ્વારા બે ધ્યેય હાંસલ કરવા માટે યોજના મંજૂર કરાઈ હતી. ગરીબોને પરવડે તેવા ભાવે કઠોળ ઉપલબ્ધ બનાવવા અને સરકારી એજન્સીઓએ ખુલ્લા બજારમાંથી ખરીદેલા કઠોળનું વેચાણ ઘટાડવું. સરકારી ખરીદીને પગલે કઠોળના નવા પાકના મંડી ભાવ નીચા જવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાથી સરકારી એજન્સીઓના સ્ટોકનાં વેચાણ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો.
સરકારે આ યોજના એક વર્ષ સુધી ચલાવવા માટે 34.88 લાખ ટન કઠોળનો જથ્થો ફાળવ્યો છે. યોજના હેઠળ લક્ષિત લાભાર્થીઓમાં જાહેર વિતરણ વ્યવસ્થા, સંકલિત બાળ વિકાસ સેવા યોજના તેમ જ રાષ્ટ્રીય પોષણ અભિયાન હેઠળ જેવી યોજનાઓના લાભાર્થીઓને આવરી લેવાયા છે. આ લાભાર્થીઓને છૂટક વેચાણ ભાવ કરતાં અડધી કિંમતે કઠોળ મળી રહ્યા છે.
સંજીવ કુમારે ઉમેર્યું કે આ લાભાર્થીઓને પ્રતિ એક કિલો રૂા. 60 કે 80 ચૂકવીને કઠોળ ખરીદવું પરવડે તેમ નથી, પરંતુ તેમને પ્રતિ એક કિલો રૂા. 30ની આસપાસના ભાવે કઠોળ મળે છે. આ પ્રક્રિયાને પગલે અમે દેશમાં કઠોળની માગ વધારી શક્યા છીએ.
યોજના જે ક્ષેત્રમાં હાથ ધરવાની હોય, તેની આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં તમામ મંડીઓમાં એક અઠવાડિયા પૂર્વે ચાલી રહેલા કઠોળના સરેરાશ ભાવ કરતાં 15 રૂપિયા ઓછા ભાવે લાભાર્થીઓને કઠોળ પૂરું પાડવામાં આવે છે. પરિવહન, મિલિંગ, પેકિંગ અને વિતરણનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. આ યોજનાને પગલે નાફેડને રૂા. 4,500 કરોડનું નુકસાન થયું છે, જે કેન્દ્ર સરકારના પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ મારફતે ચૂકવવામાં આવશે.
નાફેડના એડિશનલ મૅનેજિંગ ડિરેક્ટર સુનિલ કુમાર સિંઘે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ચણા દાળ અને અડદ દાળ રૂા. 35 પ્રતિ એક કિલો અને કર્ણાટકમાં તુવેર દાળ રૂા. 38 પ્રતિ એક કિલો વેચાઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ત્રિપુરા અને દમણમાં આ યોજનાનો ભાગ છે.
વર્ષ 2017ની રવી સિઝનમાં નાફેડે ખેડૂતો પાસેથી 51.6 લાખ ટન કઠોળ ખરીદ્યાં હતાં, પરંતુ ફક્ત 13.7 લાખ ટનનું વેચાણ કરી શકી હતી. નાફેડના અધિકારીઓને આશા છે કે આ નવી યોજના મારફતે ગોદામોમાં પડી રહેલાં વધુ 37.9 લાખ ટન કઠોળનો નિકાલ કરી શકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer