સીબીઆઈના વડા આલોક વર્માને હટાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો

સીબીઆઈના વડા આલોક વર્માને હટાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો
નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલવાના સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને હટાવવાનો નિર્ણય રદ કરતાં સરકારને ભારે આંચકો લાગ્યો છે. સીબીઆઈ ચીફ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એક બીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી સરકારે બંનેને રજા પર મોકલી દીધા હતા. 
સરકારના આ પગલાં સામે વર્મા અને એનજીઓ કોમન કોઝે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ચીફ જાસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેન્ચે 6 ડિસેમ્બરે સુનાવણી પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. 
સીબીઆઈમાં અસ્થાના મીટ કારોબારી મોઇન કુરેશી સાથે જોડાયેલા મામલાની તપાસ કરી રહ્યા હતા. આ તપાસ દરમિયાન હૈદરાબાદના સતીશ બાબૂ સના સામે પણ શંકાની સોય તણાઈ. એજન્સી 50 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શનના મામલામાં તેની વિરુદ્ધ તપાસ કરી રહી હતી. સનાએ સીબીઆઈ ચીફને મોકલેલી ફરિયાદમાં કહ્યું કે અસ્થાનાએ આ મામલામાં તેને ક્લીન ચીટ આપવા માટે 5 કરોડ રૂપિયા માંગ્યા હતા.
જોકે, 24 ઓગસ્ટે અસ્થાનાએ સીવીસીને પત્ર લખી ડાયરેક્ટર આલોક વર્મા પર સના પાસેથી બે કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer