ચાની હરાજીમાં ભાવ ઘટતાં ઉત્સાહનો અભાવ

કોચી, તા. 11 જાન્યુ.
વર્ષ 2019માં યોજાયેલી ચાની સૌપ્રથમ હરાજી દરમિયાન બજારમાં ખાસ ઉત્સાહ જણાયો નહીં. નિકાસકારો અને બ્લેન્ડર્સ તરફથી માગ ઘટવાને પગલે ચાની કેટલીક જાતોના ભાવ ઘટયા હતા.  સેલ નંબર વનમાં સીટીસી ડસ્ટમાં સારી પ્રવાહી ચાની જાતમાં ભાવ રૂા. એકથી ત્રણ જેટલો ઘટયો હતો. સીટીસીની જાતોમાં 11 લાખ કિલો ચા અૉફર કરાઈ હતી. સરેરાશ ભાવ રૂા. 123.44 મળ્યો હતો. કેરળ લૂઝ ટી ટ્રેડર્સ અને દેશના અન્ય રાજ્યોમાંથી  ગ્રાહકોએ સારો ટેકો આપ્યો હતો.
અૉર્થોડોક્સ ચાની જાતોમાં ઓછો માલ બજારમાં આવ્યો હતો. આ પ્રકારની માત્ર 7,000 કિલો ચા હરાજીમાં મૂકાઈ હતી. દેશના ઉત્તર અને મધ્યનાં રાજ્યોના ગ્રાહકો તેમ જ નિકાસકારોએ થોડી ખરીદી કરી હતી.
કોચિન સીટીસી ડસ્ટના ક્વોટેશનમાં ઊંચી ગુણવત્તાની જાતોના ભાવ રૂા. 125-172 રહ્યા હતા, મધ્યમ ગુણવત્તાની જાતો રૂા. 96-135 અને સાદા ગ્રેડમાં રૂા. 91-100ના ભાવ બોલાયા હતા.
લીફ (પાંદડાં) કેટેગરીમાં ગુણવત્તાને લીધે નિલગીરી બ્રોકન્સ (તૂટેલાં પાંદડાં), અૉર્થોડોક્સ ગ્રેડ્સમાં હોલ લીફ (આખાં પાંદડાં)નું બજાર ઊંચકાયેલું રહ્યું હતું. આ કેટેગરીમાં 1.69 લાખ કિલો ચા અૉફર કરાઈ હતી. સરેરાશ રૂા. 144.81 ભાવ મળ્યો હતો.
સીટીસી લીફમાં ઊંચી અને મધ્યમ ગુણવત્તા ધરાવતાં બ્રોકન્સ અને ફેનિંગ્સના ભાવ ઊંચા રહ્યા હતા. સાદા ગ્રેડની જાતોમાં ભાવ નીચો રહેવાની સાથે ઘટાડો જોવા મળ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer