ગુજરાતમાં નવી સૌર-પવન ઊર્જા નીતિ જાહેર

ગુજરાતમાં નવી સૌર-પવન ઊર્જા નીતિ જાહેર
ગુજરાતમાં 10 વર્ષમાં 30 હજાર મેગા-વૉટ રિન્યુએબલ ઊર્જાનું ઉત્પાદન થશે 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 જાન્યુ.
સૂર્ય ઊર્જાની સાથે પવન ઊર્જાના ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં વિન્ડ સોલાર-હાઇબ્રીડ નીતિની જાહેરાત થઇ છે. આવનારા 10 વર્ષમાં ઓછામાં ઓછી 30 હજાર મે.વા રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.  કચ્છ આ ક્ષેત્રમાં સક્ષણ છે એટલે તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.
ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, 30 હજાર મેગાવોટના પ્રોજેક્ટ માટે અંદાજે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ રાજ્યમાં થશે. વીજળીને પ્રવહન કરવા માટેની વીજ લાઇનો માટે અંદાજે 10 હજાર કરોડનું મૂડીરોકાણ થવાનો અંદાજ છે જેને કારણે રાજ્યમાં રોજગારીના અનેક અવસરો ઊભા થશે. 
જ્યાં સોલાર પાર્ક છે તે જ જમીનમાં સોલારની સાથે જ પવનચક્કી સ્થાપીને પવન ઊર્જા ઉત્પન્ન કરી શકાશે. આ જ રીતે વિન્ડ એનર્જી પાર્ક છે ત્યાં જ ખાલી જમીનમાં સોલાર પેનલો મૂકી, સૌર ઊર્જા ઉત્પન્ન કરી શકાશે. જમીનની બચત થશે એટલું જ નહીં પણ સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા એક જ જમીનનો જુદા જુદા પ્રકારની રિન્યુએબલ ઊર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરી શકાશે. ઉપરાંત રાજ્યની વણવપરાયેલી  બીનઉપજાઉ અને ખરાબાની પડતર જમીનનો રાજ્યના વિકાસ માટે ફળદાયી ઉપયોગ થશે. તેમ જ વીજળીના પ્રવહન માટેની વીજલાઇનો પણ તેની મહત્તમ ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરી શકાશે. 
વધુમાં ઊર્જાપ્રધાને કહ્યું કે, રાજ્યસરકાર દ્વારા આવા હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની  જમીન 40 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવશે. આવા ડેવલપરે 10 વર્ષમાં ભાડાપટ્ટે ફાળવાયેલ જમીન ઉપર તેમના પ્રોજેક્ટના 100 ટકા ક્ષમતા ઊભી કરી, રિન્યુએબલ ઊર્જા ઉત્પાદિત કરવાની રહેશે.  પાર્ક ડેવલપરને સરકારી જમીનના ઉપયોગ બદલ પ્રતિ હેકટર રૂા.15000 વાર્ષિક ભાડું સરકારને ચુકવવાનું રહેશે તથા દર ત્રણ વર્ષે આ ભાડામાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. પાર્ક ડેવલપર આ જગ્યા સબલીઝ કરે તો પણ આ દરો ચુકવવાના રહેશે. વધુમાં, પ્રતિ હેકટર રૂા.15000 પ્રતિ વર્ષ માળખાકીય સુવિધા માટે ચુકવવાના રહેશે. 
હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજ્યસરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. કેન્દ્ર સરકારની કંપની સેકી-સોલાર એનર્જી કોર્પોરેશન અૉફ ઇન્ડિયા જે દેશભરમાં અન્ય રાજ્યો માટે સૌર ઊર્જા અને પવન ઊર્જા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરે છે તેને પણ રાજ્યના હાઇબ્રીડ પાર્કમાં જગ્યા ફાળવી શકાશે. ભારત સરકારે રિન્યુએબલ પાર્કમાં ઉત્પન્ન થયેલ વીજળી અન્ય જગ્યાએ લઇ જવા માટે જરૂરી ટ્રાન્સમીશન નેટવર્કની સ્થાપના માટેનો સંપૂર્ણ ખર્ચ ભોગવવાની તૈયારી દર્શાવેલી છે, એમ પણ ઊર્જાપ્રધાને ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer