ગુજરાતની નવી ટેક્સ્ટાઇલ પૉલિસીમાં જિનિંગ, સ્પિનિંગ એકમોને પ્રોત્સાહનો નહીં મળે

ગુજરાતની નવી ટેક્સ્ટાઇલ પૉલિસીમાં જિનિંગ, સ્પિનિંગ એકમોને પ્રોત્સાહનો નહીં મળે
લોન પરના વ્યાજમાં 6 ટકા સુધીની સબસિડીનો પણ અંત 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11 જાન્યુ.
લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ગુજરાતની નવી ટેક્સ્ટાઇલ નીતિની જાહેરાત થઇ ચૂકી છે.
નવી નીતિ નોકરી શોધતા સ્થાનિક યુવાનો અને કારીગરો  માટે ખુશખબર લઇને આવી છે, પરંતુ ઉદ્યોગકારે નિરાશ થયા છે. નવી નીતિમાં સ્થાનિકોને 60થી 85 ટકા નોકરી આપવાની શરત રાખવામાં આવી છે. એનાથી રોજગારીની તકો ઊભી થશે. જોકે, ઉદ્યોગપતીઓ નિરાશ છે કારણ કે તેઓ વીજદરમાં રાહતની માગ કરી રહ્યા હતા. પરંતુ તેમાં પ્રતિ યુનિટ રૂા.3 સુધીની સબસિડી જાહેરાત તો થઇ છે પરંતુ માત્ર નવા ઉદ્યોગો માટે જ. વળી, કાયમ માટે કારીગરોની ભરતી પણ પોસાય તેમ નથી. કારણકે હવે કોન્ટ્રાક્ટ ઉપર આખો બિઝનેસ આવી ચૂક્યો છે.
આગામી તા.18,19,20 જાન્યુઆરીના રોજ યોજાનારી ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં નવી ટેક્સ્ટાઇલ પૉલિસીને આધારે ટેક્સ્ટાઇલ  ક્ષેત્રે નવું મૂડીરોકાણ આકર્ષવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં ફાર્મ ટુ ફેશન પ્રોજેક્ટ કરવાનું પણ આયોજન કરાયું છે. પરંતુ આ નવી પૉલિસી જાહેર થતાં હવે રોકાણ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી નીતિ  મુજબ નવા સ્થપાતા ઉદ્યોગોમાં કામદારોની જગ્યા ઉપર 85 ટકા નોકરીઓ સ્થાનિકો માટે જ અનામત રાખવાની જોગવાઇ છે. મેનેજરિયલ કક્ષાની જગ્યાઓ ઉપર 60 ટકા નોકરીઓ સ્થાનિકોને આપવાની વાત કરી છે એટલે હવે સ્થાનિક યુવાનોને રોજગારી મળે તેવી આશા ઊભી થઇ છે. જોકે, ઉદ્યોગકારો તેનું પાલન કરે છે કે નહિં તે જોવાની વ્યવસ્થા નહીં ગોઠવાય તો આ જાહેરાત નકામી રહેશે. 
ટેક્સ્ટાઇલ ક્ષેત્રે જેની લાંબા સમયથી માગ થતી હતી તે વીજદરમાં રાહતની માગણી સ્વીકારવામાં આવી છે. આ સબસિડી ટેક્સ્ટાઇલ ઉદ્યોગના નીટિંગથી લઇને પ્રોસેસિંગ સુધીના તમામ એકમોને મળશે. 
પ્રતિ યુનિટ વીજદર 7.50થી 7.55 રૂપિયા જેટલો છે તેમાં નવી નીતિમાં 99 કિલો વોટ સુધીના કનેક્શન ઉપર પ્રતિ યુનિટ 3 રૂપિયા સબસિડી અને તેનાથી વધુના કનેક્શન ઉપર પ્રતિ યુનિટ 2 રૂપિયા સબસિડી જાહેર કરી છે.  એલટી અને એચટી બન્ને વીજ જોડાણો માટે આ લાભ અપાશે. વેપારી ધોરણે ઉત્પાદન ચાલુ કર્યા પછીના 5 વર્ષના સમયગાળા માટે વીજદરમાં ઉપર મુજબની રાહત આપવામાં આવશે.
જોકે, આ જાહેરાતમાં સરકારે એક  શરત ઉમેરી છે તેનાથી ઉદ્યોગકારો નિરાશ છે. શરત પ્રમાણે સબસિડી નવા સ્થપાતા ઉદ્યોગોને જ મળશે. જૂના ઉદ્યોગોને કોઇ લાભ નહીં થાય.  અગાઉ  આપવામાં આવતી કેપિટલ સબસિડી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ જિનિંગ અને સ્પિનિંગને કોઇ લાભ ન આપવાનો નિર્ણય કરાયો છે. એસઇઝેડમાંના એકમોને પણ આ લાભ મળશે નહીં. ગારમેન્ટ અને એપરલ સેગમેન્ટને બીજી પૉલિસી હેઠળ આ લાભને પાત્ર ગણાવવામાં આવ્યા હોવાથી આ પૉલિસીમાં આ લાભ અપાયો નથી.  આ ઉપરાંત કેપ્ટિવ પાવર પ્લાન્ટ કે પછી ઓપન એક્સેસ સિસ્ટમમાં વીજળી ખરીદનારને યુનિટ દીઠ ભાવમાં રાહત આપવામાં આવશે નહીં. 
વિવર્સ અગ્રણીઓનું કહેવું છે કે, ટેક્સ્ટાઇલનું હબ ગણાતા માત્ર સુરતમાં હાલ 5 લાખથી વધુ લૂમ્સ ચાલે છે. તેમને કોઇ ફાયદો નહીં થાય. મહારાષ્ટ્રમાં તમામ ઉદ્યોગોને વીજ સબસિડી મળે છે. ગુજરાતની પૉલિસી જૂના યુનિટો માટે અન્યાયકારી છે જે અંગે સરકારને રજૂઆત કરાશે.  મહત્ત્વનું છે કે, છેલ્લાં બે વર્ષમાં સુરતમાં 1 લાખથી વધુ લૂમ્સ ભંગારમાં વેચાઇ ગયા છે. નવા ઉદ્યોગો મહારાષ્ટ્રના નવાપુરમાં શિફ્ટ થઇ રહ્યા છે. ગુજરાત સરકારે તેને રોકવા માટે નવા યુનિટોને સબસિડી જાહેર કરી છે. 
નવી ટેક્સ્ટાઇલ નીતિમાં વિવિંગ, નિટિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ, મશીન કાર્પેટિંગ, ટેક્નિકલ ટેક્સ્ટાઇલ, મેડઅપ્સ, ક્રિમ્પિંગ, ટ્વીસ્ટિંગ, ટેક્ચ્યુરાઇઝિંગ, થ્રેડ, સાઇઝિંગ, વાઇન્ડિંગ અને મશીન એમ્બ્રોઇડરીની પ્રક્રિયાને લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૉમર્શિયલ કે કૉઓપરેટીવ બૅન્ક પાસેથી લોન લેનારા એકમોને જ વીજદરમાં સબસિડી આપવામાં આવશે. ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરનારા એકમોને પણ વીજદરમાં રાહત આપવામાં આવશે.
આ સાથે કુલ ફિક્સ્ડ એસેટમાં 25 ટકા નવું રોકાણ કરવામાં આવે તેને એક્સપાન્સન ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે એકમ તેની વર્તમાન ઉત્પાદન ક્ષમતાના 75 ટકાથી વધુ ઉત્પાદન કરતું હશે. તેને જ વિસ્તરણની સાથે સંકળાયેલા લાભ આપવામાં આવશે. ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે પણ આ શરત લાગુ કરવામાં આવી છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer